કોવિડનો ભય વધતાં સતત ચોથા દિવસે માર્કેટ પટકાયું

December 24, 2022

શેરબજારમાં છ મહિના પછી ફરીવાર મંદીવાળા હાવી બન્યાં છે. કોવિડના વધતાં ગભરાટ પાછળ સતત ચોથા સત્રમાં ભારતીય બજાર ઘટાડા સાથે બંધ આવ્યું હતું. શુક્રવારે નિફ્ટીએ 18 હજારનું મહત્ત્વનું સાઇકોલોજિકલ સ્તર ગુમાવ્યું હતું. જાતે-જાતમાં વેચવાલી પાછળ સમગ્ર દિવસ દરમિયાન માર્કેટ ઘસાતું જોવા મળ્યું હતું.

બીએસઈ સેન્સેક્સ 981 પોઇન્ટ્સ નરમાઈએ 59,845ની સપાટીએ જ્યારે નિફ્ટી 321 પોઇન્ટ્સ ગગડી 17,807ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યૂચર્સ 73 પોઇન્ટ્સ પ્રીમિયમ સાથે બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે વેચવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ છેલ્લા અનેક મહિનાઓની સૌથી ખરાબ જોવા મળી હતી.

નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 48 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2 કાઉન્ટર્સ જ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ ખરાબ હતી અને માર્કેટ બ્રેડથ 2022ની સૌથી ખરાબ જળવાય હતી. બીએસઈ ખાતે 3,655 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 3,115 નેગેટિવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે માત્ર 472 કાઉન્ટર્સ પોઝિટિવ બંધ સૂચવતાં હતાં. વોલેટિલિટી ઇન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.4 ટકા ઊછળી 16.16ની સપાટીએ બંધ રહ્યો હતો.