કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, ઝાડ અને વીજળી પડવાથી 6ના મોત

May 30, 2023

ગાંધીધામમાં પવન અને ગાજવીજ સાથે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી વહેતા થયા છે. સૌરાષ્ટ્રના પણ કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં બોટાદ, ભાવનગર, ગોંડલમાં ભારે પવન સાથે ધૂળની ડમરી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તેમજ રાજ્યમાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યુ છે. જેમાં ઘણાં વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ,મહેસાણા ,પાટણ સાબરકાંઠા ,બનાસકાંઠા વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્રના જામનગર,મોરબી,ભાવનગર, કચ્છ, બોટાદ સહિત ભારે વરસાદની આગાહી કરી છે. 

રાજ્યમાં વરસાદને કારણે 6 લોકોના મોત
રાજ્યમાં રવિવારે વરસાદને કારણે ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં જનજીવન પણ પ્રભાવિત થયું છે. પાટણમાં પવન સાથે વરસાદથી બે લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જ્યારે છોટાઉદેપુરના સંખેડામાં વીજળી પડતા બે યુવકોના મોત થયા છે. દાહોદના સુડીયા ગામે કરંટ લાગતા એક બાળકનું મોત થયું છે. આ વચ્ચે અમદાવાદમાં વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરમાં દિવાલ ધરાશાયી યુવકનું મોત થયું છે. પાટણમાં ચાણસ્મા અને સિદ્ધપુરમાં 1-1 વ્યકિતનું મોત થયું છે. આ ઉપરાંત ભારે વરસાદ અને ભારે પવનથી સરસ્વતીમાં માર્ગો પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે.