લાલુ યાદવની તબિયત વધુ લથડી, એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાયા

July 06, 2022

નવી દિલ્હી: આરજેડી સુપ્રીમો લાલુ યાદવને શ્રેષ્ઠ સારવાર માટે દિલ્હી લઈ જવાયા. લાલુ યાદવની તબીબી વ્યવસ્થાઓ માટે તેમના નાના પુત્ર તેજસ્વી યાદવ અને પત્ની રાબડી દેવી બુધવારે બપોરે પટનાથી દિલ્હી જવા રવાના થયા. બુધવારે સાંજે પટનાના પારસ હોસ્પિટલમાં દાખલ લાલુ યાદવને એર એમ્બ્યુલન્સથી દિલ્હી લઈ જવાયા. લાલુ યાદવની પુત્રી અને રાજ્યસભા સાંસદ મીસા ભારતી પણ તેમની સાથે દિલ્હી જશે. 

તેજસ્વી યાદવે જણાવ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત તમામ દળના નેતાઓએ ફોન કરીને લાલુ યાદવના સ્વાસ્થ્યની જાણકારી લીધી. પક્ષ અને વિપક્ષ તમામે ફોન કર્યો હતો, સૌ એ લાલુ યાદવના સાજા થવાની પ્રાર્થના કરી.

બુધવારે બપોરે મુખ્યમંત્રી નીતીશ કુમાર લાલુ યાદવને જોવા માટે પારસ હોસ્પિટલ પહોંચ્યા. તેજસ્વીએ સીએમ નીતીશને હોસ્પિટલના મેન ગેટ પર રિસીવ કર્યા અને પોતાના પિતાની પાસે લઈ ગયા. નીતીશ કુમારે લાલુ યાદવની સારવાર કરી રહેલા ડોક્ટર પાસે તેમના સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી લીધી.

એટલુ જ નહીં નીતીશ કુમારે મોટુ એલાન કરતા કહ્યુ કે લાલુ યાદવની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે, કેમ કે તે તેમનો હક છે. આ દરમિયાન ત્યાં બિહાર સરકારના આરોગ્ય મંત્રી મંગલ પાંડે અને ઉદ્યોગ મંત્રી શાહનવાઝ હુસૈન પણ હાજર હતા.