ગાંધીનગરના ફાર્મ હાઉસમાં મોડી રાત્રે ખૂની ખેલ, 1ની હત્યા

September 18, 2021

ગાંધીનગરમાં મોડી રાતે જમીન દલાલ અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા બિલ્ડરને સરગાસણ ચાર રસ્તા પાસે આવેલા તેમના જ ફાર્મ હાઉસમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાનો બનાવ બન્યો છે. આ ગુનામાં હત્યારાઓ અન્ય કોઈ નહીં, પરંતુ મૃતકના જ મિત્રો હોવાનું સામે આવ્યું છે. હાલ સેકટર-7 પોલીસે હત્યા અને હથિયાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર થઈ ગયેલા 2 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
સરગાસણ ચાર રસ્તા નજીક આવેલા સામ્રાજ્ય ફાર્મ હાઉસના માલિક પ્રવિણભાઈ મણીયા ગઈકાલે મોડી રાત્રે તેમના ફાર્મ હાઉસમાં હતા. પ્રવિણભાઈની સાથે તેમના મિત્રો જનકભાઈ, હરપાલસિંહ સરવૈયા, જયરાજસિંહ રાણા, જયદીપસિંહ ગોહિલ, તરુણ ઝાલા અને ભવાન ભરવાડના જમાઈ સંતોષ ભરવાડ પણ હાજર હતા.


 આ દરમિયાન જમીન બાબતે થયેલી બોલાચાલીમાં જયદીપસિંહ ગોહિલે તેની પાસે રહેલા હથિયાર વડે એક રાઉન્ડ ફાયરિંગ કરી પ્રવિણભાઈની હત્યા કરી નાંખી હતી. જોકે પરિવાર અને પોલીસ ફાર્મ હાઉસ પહોંચે તે પહેલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ અંગે પ્રવિણભાઈના પુત્ર વિજયે સેકટર-7 પોલીસ મથકે પોતાના પિતાની હત્યા થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબસ જયદીપસિંહ જ્યારે ફાયરિંગ કર્યું તે સમયે તરુણસિંહ ઝાલાએ પણ તલવાર વડે તેમના પિતા ઉપર હુમલો કર્યો હતો.


આ ગુનાના CCTV ફૂટેજ પોલીસના હાથે લાગ્યા છે. હાલ પોલીસે જે મર્સીડીઝ ગાડી લઇને આરોપીઓ ફરાર થયા હતા, તેની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.