ન્યાયિક ગણતરીના અંતે લિબરલ્સે ક્યૂબેકમાં વધુ એક સીટ જીતી

October 12, 2021

  • અત્યાર સુધીના પરિણામોમાં લિબરલે જીતેલી બેઠકોની સંખ્યા 120 ઉપર પહોંચી 
ઓટ્ટાવા : ફેડરલ લિબ્રલ્સે કહ્યું હતું કે, ન્યાયિક ગણતરીના ફળસ્વરૂપ અમે ક્યૂબેકમાં એક બીજી બેઠક જીતી લીધી છે. ન્યાયિક ગણતરીના અંતે વર્તમાન સાંસદ બ્રેન્ડા શનાહનને ચેટૌગુએ-લેકોલેની બેઠક પર બ્લોક ક્યૂબેકોઇસના તેમના હરીફ કરતા 12 મત વધારે મેળવ્યા હતા. જેથી તેમને વિજયી જાહેર કરાયા હતા અને તેઓ ફરીથી હવે સંસદમાં જોવા મળશે. આ ગણતરીએ 20 સપ્ટેમ્બરના રોજ જાહેર થયેલા ચૂંટણીના પરિણામોને પલટાવી નાખ્યા છે. જેમાં શનાહનને બ્લોક ક્યૂબેકોઇસના હરીફ પેટ્રિક ઓહારા સામે 286 મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો. પુન: ગણતરીના અંતે જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટી દ્વારા જીતવામાં આવેલી બેઠકોની કુલ સંખ્યાનો આંકડો 160 ઉપર પહોંચ્યો છે. તેમ છતાં આમાંથી ટોરોન્ટોની સ્પાડિના-ફોર્ટ યોર્કના વિજેતા કેવિન વુઓંગ ભુતકાળમાં તેમના ઉપર લાગેલા જાતીય સતામણીના આરોપોનો ખુલાસો પાર્ટી સમક્ષ કરી નહીં શકતા તેમને પડતા મુકવામાં આવ્યા છે અને તેઓ સ્વતંત્ર સંસદ તરીકે બેસશે.
આ પરિણામથી લિબરલ્સની ક્યૂબેકમાં બેઠકની કુલ સંખ્યા 35 જેટલી થઇ છે, જે 2019માં પણ સમાન હતી. બ્લોકે પણ 2019ની જેમ તેમની 32 બેઠકો આ વખતની ચૂંટણીમાં પણ જાળવી રાખી છે. આ ચૂંટણીના અંતે બહુમતી માટે જોઈતી 170 બેઠકો કરતા 10 બેઠકો ઓછી મળતાં ટ્રુડોની લઘુમતી સરકાર આકાર લેશે તેવી શકયતા દેખાઈ રહી છે.