આત્મનિર્ભર સહાય યોજના માટે એક લાખની લોન લેવા ગુજરાતમાં દસ લાખ લોકોની લાઈનો, પૈસા તો ઠીક ફોર્મ પણ નથી

May 22, 2020

અમદાવાદ : આત્મનિર્ભર સહાય યોજના હેઠળ રૂ. ૧ લાખ સુધીની બે ટકાના વ્યાજે મળનારી લોનના ફોર્મ લેવા માટે ગુજરાતભરના લોકોએ સહકારી બઁકોમાં લાઈનો લગાવી હતી, પરંતુ મોટાભાગના લોકો ફોર્મ મેળવ્યા વિના વિલા મોંએ પાછા ફર્યા હતા. અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કોઓપરેટીવ બેન્ક અને અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક સહિતની સંખ્યાબંધ કોઓપરેટીવ બૅન્કોમાં રૂા. ૧ લાખ સુધીની લોન મેળવવા હજારો લોકોએ લાઈન લગાવી હતી, પરંતુ ઘણી સહકારી બૅન્કોમાંથી ફોર્મ મળી શક્યા જ નહોતા. લૉકડાઉનને કારણે ફોર્મ છપાયા ન હોવાથી કેટલીક બૅન્કોએ તેમને કોમ્પ્યુટર પ્રીન્ટ કાઢીને આપી હોવાનું પણ જાણવા મળ્યું છે. ગુજરાતના જુદાં જુદાં વિસ્તારોમાં ફોર્મ લેવા માટે મસમોટી લાઈનો લાગી હતી. પરંતુ ફોર્મ મળી શક્યા નહોતા.

બીજી તરફ નાના વેપારીઓને આત્મ નિર્ભર બનાવવા માટે સહકારી બૅન્કોમાંથી માત્ર બે ટકા વ્યાજ લઈને લોન આપવાની યોજના હેઠળ લોન લેનાર જો નિયમિત હપ્તો ન ભરે તો સહકારી બૅન્કોને છ ટકા વ્યાજ સબસિડી ન આપવાનું સરકારે સ્ટેન્ડ લીધું હોવાથી સહકારી બૅન્કો લોન આપવી કે ન આપવી તે અંગે અસમંજસમાં પડી ગઈ છે. 

નાના માણસોને આપવામાં આવતી લોનના હપ્તા નિયમિત ન ભરાય તેવી શક્યતા રહેલી છે. આ સંજોગોમા ંસરકાર તરફથી બૅન્કોને છ ટકાના વ્યાજ સબસિડી ન અપાય તો તેમણે મૂડી ગુમાવવાની સાથેસાથે જ વ્યાજની સબસિડી પણ ગુમાવવી પડી શકે છે. નિયમિત હપ્તા ન ભરનારને વ્યાજ સબસિડી ન આપવાને મુદ્દે ગુજરાત સરકારના જીઆરમાં જોગવાઈ હોવાથી સહકારી ક્ષેત્ર માટે લોન આપની કઠિન બની શકે છે. 

દસલાખ નાના કારીગરોને લોન લેવા માટેના ફોર્મ લેવા ગયેલાઓને ફોર્મ છપાયા જ ન હોવાથી સંખ્યાબંધ બૅન્કો ફોર્મ જ ન આપી શકી નથી. કેટલીક બૅન્કોએ કોમ્પ્યુટર પર ફોર્મ તૈયાર કરીને તેના પ્રીન્ટ આઉટ કાઢીને અરજદારોને આપ્યા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. માત્ર અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક આ ફોર્મ આપી શકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજું, કારીગરો બૅન્ક તરફથી તેમને રૂા. ૧ લાખ સુધીની આર્થિક સહાય મળવાની હોવાની ગેરસમજ સાથે ફોર્મ લેવા આવી રહ્યા છે. પરંતુ તેમને લોન આપવામાં આવી રહી છે. સરકારી સહાય નહિ તે દરેક લોન માટે અરજી કરનારાઓએ સમજી લેવું જોઈએ. તેમણે તે આઠ ટકા વ્યાજ સાથે પરત ભરવી પડશે. ત્યારબાદ સરકાર તેમના ખાતામાં છ ટકા વ્યાજ સબસિડી જમા કરાવશે. તેઓ નિયમિત હપ્તા નહિ ભરે તો તેમને વ્યાજ સબસિડી આપવામાં આવશે નહિ. 

સહકારી ક્ષેત્રના આગેવાનોનું કહેવું છે કે કારીગરો અને વ્યવસાયિકો નિયમિત હપ્તા ન ભરે તો વ્યાજ સબસિડી ન આપે તેવી સરકારની શરતને રદ કરી દેવાની માગણી સહકારી આગેવાનો દ્વારા કરવામાં આવી છે. આ અંગે હજી સુધી કોઈ જ નિર્ણય સરકાર તરફથી લેવાયો હોવાની જાહેરાત થઈ નથી. સરકાર આ નિર્ણય ન લેતો સહકારી બૅન્કોએ મૂડી ઉપરાંત વ્યાજ સબસિડી પણ ગુમાવવી પડી શકે છે. 

આ અગાઉ સહકારી બૅન્કોએ દસ લાખ નાના કારીગરો દુકાનદારોને ધિરાણ આપવા માટેની મૂડી પર પણ ૬૦, ૪૦ અને ૩૦ ટકાના ધોરણે સબસિડી આપવાની દરખાસ્ત મૂકી હતી. આ દરખાસ્તને સરકારે અમાન્ય રાખી હતી. 

નાના વેપારીઓ અને કારીગરોને આત્મ નિર્ભર સહાય યોજના હેઠળ રૂા. ૧ લાખ સુધીની લોન માત્ર બે ટકા વ્યાજે આપવાની જાહેરાત તો સરકારે કરી દીધી છે, પરંતુ સહકારી બૅન્કો કુલ સભાસદના ૨૦ ટકાથી વધુ નોમિનલ સભ્ય બનાવી ન શકતી હોવાથી ૨૭૦ બૅન્કો અને ૬૦૦૦ ક્રેડિટ સોસાયટીઓ મળીને ૧૦ લાખ લોકોને લોન આપી શકશે કે કેમ તે એક સવાલ પહેલા દિવસે જ ઊભો થયો છે.

આ સંજોગોમાં રિઝર્વ બૅન્કની અનુમતી મેળવીને નોમિનલ સભ્યની ટકાવારી ૨૦થી વધારીને ૪૦ કરાવી આપવાની દરખાસ્ત સહકારી ક્ષેત્રના આગેવાનો દ્વારા સરકાર સમક્ષ મૂકવામાં આવી છેે. આ અંગે  સહકારી બૅન્કના એક આગેવાન કહે છે કે નોમિનલ સભાસદ અંગેના દરેક બૅન્કના નિયમો અલગ અલગ છે. તેને પરિણામે લોન આપવામાં મુશ્કેલી ઊભી થશે. નોમિનલ સભાસદને કેવું ધિરાણ આપવું તે પણ નિયમમાં જણાવેલું હોય છે.