લાયોનલ મેસ્સીનો રેકોર્ડ, સ્પેનિશ લીગમાં સાતમી વખત ગોલ્ડન શૂઝ એવોર્ડ જીત્યો

July 21, 2020

વિટોરિયા : લાયોનલ મેસ્સીએ બાર્સેલોનાના અંતિમ તબક્કામાં અલાવેસ સામે ૫-૦થી મેળવેલા શાનદાર વિજયમાં બે ગોલ કરીને સ્પેનિશ ફૂટબોલ લીગ લા લીગામાં વિક્રમી સાતમી વખત એક જ સિઝનમાં સર્વાધિક ગોલ કરવા માટે ગોલ્ડન શૂઝનો એવોર્ડ હાંસલ કર્યો હતો. મેસ્સીએ લીગમાં કુલ ૨૫ ગોલ નોંધાવ્યા છે જે તેના નજીકના હરીફ કરીમ બેન્ઝેમા કરતા ચાર ગોલ વધારે છે. બેન્ઝેમાએ રિયલ મેડ્રિડ અને લેગાન વચ્ચે ૨-૨થી ડ્રો રહેલા મુકાબલામાં ગોલ નોંધાવ્યો નહોતો.

મેસ્સીએ એક જ સિઝનમાં સૌથી વધારે ગોલ આસિસ્ટ કરનાર ખેલાડી બનવાની પણ સિદ્ધિ મેળવી હતી. તેણે સર્વાધિક ૨૧ ગોલ આસિસ્ટ કર્યા છે. તેણે બાર્સેલોનાના જ ભૂતપૂર્વ સુકાની ઝાવી હર્નાન્ડેઝના રેકોર્ડને તોડયો હતો. ઝાવીએ ૨૦૦૮-૦૯ની સિઝનમાં ૨૦ ગોલ આસિસ્ટ કર્યા હતા. મેસ્સી ૩૦મી જૂને ૭૦૦ ગોલ પૂરા કરનાર સાતમો ખેલાડી બન્યો હતો. તેણે બાર્સેલોના માટે ૬૩૦ તથા પોતાના દેશ આર્જેન્ટિના માટે ૭૦ ગોલ નોંધાવ્યા હતા. સર્વાધિક ૮૦૫ ગોલનો રેકોર્ડ ઓસ્ટ્રિયાના જોસેફ બિકનના નામે છે.