ખાંભામાં સિંહબાળો રમતે ચડયાઃ બે શાળામાં, ર ઘરમાં ઘૂસી ગયા

January 31, 2020

વિખૂટા પડેલા સિંહબાળનું માતા સાથે કરાવાયું મિલન


ખાંભાઃ ખાંભા તાલુકાના રાયડી ગામમાં વહેલી સવારે એક સિંહણ અને એના ચાર સિંહબાળ શિકારની શોધમાં ગામમાં ઘુસી આવ્યા હતા. જેમાં ૨ સિંહબાળ બાવચંદભાઈ બળવાળીયાના ઘરમાં ઘુસી ગયા હતા અને અન્ય બે સિંહબાળ ગામ જૂની બંધ શાળાના ઓરડામાં ઘુસી ગયા હતા. સિંહબાળને જોવા ગામ લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.વનવિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામા આવ્યું હતું.


વન વિભાગની રેસ્ક્યુ ટીમ શહીદ પઠાણ, રજની દેવેરા સહિતનો સ્ટાફ્ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને પ્રથમ ઘરમાં ઘૂસેલ ૨ સિંહબાળ અને બાદમા શાળાના ઓરડામાંથી ૨ મળી કુલ ૪ સિંહબાળનું વન વિભાગની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. સિંહબાળને જોવા લોકો પણ પોતાની અગાસી અને ઘરની બહાર ભેગા થયા હતા. પોલીસ અને વન વિભાગના સ્ટાફ્ દ્વારા લોકોને હટાવી સફ્ળતાપૂર્વક ચારેય સિંહનું રેસ્ક્યુ થયું હતું.

બાદમા વન વિભાગ દ્વારા તેની મા સિંહણનું કલાકોમાં જ લોકેશન મેળવી અને ચારેય સિંહબાળને સિંહણ સાથે મિલન કરી છોડવામાં આવ્યા હતા. આ બાબતે રાયડી ગામના સરપંચ દેવશીભાઈ જોગડીયા એ જણાવ્યું હતું કે સિંહોનો રાયડી ગામમાં કાયમી વસવાટ છે અને અવાર નવાર ગામમાં ઘુસી પશુઓના મારણ કરે છે. જેથી ખેડૂતોને રાત્રીની લાઈટ હોવાથી વાડીએ જવું મુશ્કેલ બન્યું છે અને તંત્ર દ્વારા દિવસે લાઈટ આપવામાં આવે તેવી માંગ કરી હતી.