લોન,જોબના નામે ભારતીયોને ચૂસતી ચીની કંપનીઓ પર સરકાર ત્રાટકી

August 05, 2024

ભારત સરકારે ફરી એક વાર ચીની કંપનીઓ પર આક્રમણ શરૂ કર્યું છે. આગામી ત્રણ મહિનામાં લગભગ 400 ચીની કંપનીઓ બંધ થઇ શકે છે. આ કંપનીઓ પર ભારતમાં ગેરકાયદેસર રીતે કામ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

વાસ્તવમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય(એમસીએ)એ 17 રાજ્યોમાં ચીની કંપનીઓને ઓનલાઇન લોન તથા રોજગારીના ક્ષેત્રમાં સામેલ થવાના આરોપમાં આગામી ત્રણ મહિનામાં બંધ કરવાનો નિર્ણય કર્યો છે. 17 રાજ્યોમાં દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેંગલુરુ, ઉત્તરપ્રદેશ તથા આંધ્રપ્રદેશ સહિત વિભિન્ન રાજ્યો અને શહેરોમાં લાગુ થશે તેમ વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

એમસીએ દ્વારા આ કંપનીઓ પર તેની સ્થાપના તથા આર્થિક છેતરપિંડીના આરોપોની તપાસ કરાઈ છે. અન્ય 30-40 ચીની કંપનીઓની તપાસનો આદેશ પણ કરવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર અત્યાર સુધીમાં 600 ચાઇનીઝ કંપનીઓની તપાસ પુર્ણ કરવામાં આવી છે અને તેમાની 300-400 કંપનીઓને બંધ કરવામાં આવશે. આ કંપનીઓમાં લોન એપ્સ તથા ઓનલાઇન જોબ કંપનીઓનો સમાવેશ થાય છે.