સ્થાનિક સ્વરાજની ચૂંટણી: એક જ દિવસે મતગણતરી કરવાની કોંગ્રેસની અરજી સુપ્રીમ કોર્ટે પણ ફગાવી

February 23, 2021

અમદાવાદ: રાજ્યમાં 21મી ફેબ્રુઆરીએ યોજાયેલી મહાનગરપાલિકાઓની ચૂંટણી અને 28મી ફેબ્રુઆરીએ યોજાનારી નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી એક જ દિવસે કરવાની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ આ અરજી ફગાવી ચૂકી છે. આમ, હવે મહાનગરપાલિકા માટેની મતગણતરી 23મી ફેબ્રઆરીએ જ થશે. તેમજ પાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીની મતગણતરી 2જી માર્ચે યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન પહેલાં રાજ્યની છ મહાનગરપાલિકાની ચૂંટણીનાં પરિણામ જાહેર કરવાની જાહેરાત કરાઈ હતી તેની સામે કોંગ્રેસ પક્ષે પહેલા ગુજરાત હાઈકોર્ટ અને પછી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અગાઉ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવાની માગ સાથે થયેલી અરજીને ગુજરાત હાઇકોર્ટે પણ ફગાવી હતી. હાઈકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, 'મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીની મતગણતરી એક જ તારીખે રાખવામાં આવે. નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીના મતદાન પહેલાં મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થશે તો તેનાં પરિણામોની અસર પછી યોજાનારી ચૂંટણી પર પડશે. આ નિર્ણયના કારણે મુક્ત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા પ્રભાવિત થઈ શકે છે અને મતદારોને અસર થવાની સંભાવના છે. મુક્ત અને ન્યાયી ચૂંટણી સંભવ બની શકે એ માટે મતગણતરી એક જ દિવસે રાખવાનો નિર્ણય લેવાવો જોઈએ.'
આ અરજીના સંદર્ભમાં ચૂંટણીપંચે હાઇકોર્ટમાં પોતાનો જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચની રજૂઆત હતી કે 2005થી રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી બે તબક્કામાં કરાય છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, 'મતગણતરી અલગ અલગ દિવસે થાય તેમાં અરજદારનો કોઈ કાનૂની કે બંધારણીય અધિકાર છીનવાતો નથી, તેથી અરજદારોની પિટિશન ટકવાપાત્ર નથી.' હાઇકોર્ટમાં સોગંદનામામાં ચૂંટણીપંચે જણાવ્યુ હતું કે, 'ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોની સમસ્યાઓ અને જરૂરિયાતો અલગ-અલગ છે અને તેથી ગ્રામ્ય વિસ્તારના મતદાર અને શહેરી વિસ્તારના મતદારના પ્રશ્નો પણ અલગ અલગ છે. અરજદારોએ પોતાના રાજકીય હેતુ બહાર લાવવા માટે આ અરજી કરી છે.' ચૂંટણી પંચે હાઈકોર્ટને એમ પણ જણાવ્યું હતું કે, 'રાજ્યમાં એક જ તારીખે મતગણતરી રાખીએ તો બહુ મોટો સ્ટાફ રાખવો પડે.