લખીમપુર કાંડઃ રાજકારણીની હેવાનીયતનું વરવું ઉદાહરણ

December 21, 2021

દોઢ વર્ષ પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે બહુમતીના જોરે પસાર કરેલા ત્રણ કૃષિ કાયદા સામે ખેડૂત સંગઠનોએ ૩૭૮ દિવસ સુધી આંદોલન ચલાવ્યુ. આ આંદોલનના પડઘા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ દેશ વિદેશમાં પણ પડયા. કેનેડા, અમેરિકા અને લંડનમાં મૂળ ભારતીયો દ્વારા એમ્બેસી બહાર વિરોધ પ્રદર્શન પણ થયા.
બીજી તરફ મોદી સરકાર અને તેના મંત્રીઓએ ખેડૂત આંદોલનકારીઓને નીચા દેખાડવા સતત ઉધામા કર્યા. કયારેક આ આંદોલનકારીઓને ખાલીસ્તાની તો કયારેક પાકિસ્તાન અને કયારેક ઉપદ્રવીઓમાં ખપાવવા પ્રયાસ કર્યો. આમ છતાં ખેડૂતો જરાય વિચલિત ન થયા. દેશમાં સયુક્ત કિસાન મોરચામાં જોડાયેલા તમામ ૩૭ સંગઠનોએ સતત એકસૂરે કૃષિકાયદાનો વિરોધ કર્યો તેને આંદોલન ચાલુ રાખ્યુ. આજથી અઢી મહિના પહેલાં પણ ખેડૂતોનો વિરોધ ચરમસીમા પર હતો ત્યારે ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રાના પુત્ર આશિષ મિશ્રાએ ખેડૂતો પર કાર ચડાવીને ચાર ખેડૂતો અને એક પત્રકારને કચડી નાંખ્યા હતા. લખીમપુર ખીરીના બનબીરપુરમાં બનેલી ઘટનામાં ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યનો વિરોધ કરવા જઈ રહેલા ખેડૂતો શાંતિથી વિરોધ કરી રહ્યા હતા. આશિષ મિશ્રાના પિતા અજય મિશ્રા માથાભારે છે અને અત્યારે ભાજપના રાજમાં માથાભારે લોકોની બોલબાલા છે. તેથી મિશ્રાને કેન્દ્ર સરકારમાં રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન બનાવી દેવાયા છે.  લખીમપુર ખીરીમાં તેમનો કાર્યક્રમ હતો અને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય તેમાં હાજરી આપવાના હતા. ખેડૂતોએ પોતાની સમસ્યાઓ અંગે ધ્યાન દોરવા મૌર્યનો વિરોધ કરવાનું નક્કી કર્યુ હતુ. અજય મિશ્રાએ દીકરા આશિષને ખેડૂતોને સીધા કરવા મોકલ્યો. જેમાં દીકરાએ ખતરનાક ઘટનાને અંજામ આપી દીધો. ખેડૂતો શાંતિપૂર્ણ રીતે રસ્તા પર સૂત્રોચ્ચાર કરતા જઈ રહ્યા હતા. તે સમયે પાછળથી આવેલી જીપ તેમના પર ચડાવી દેવાઈ હતી. આ જીપ આશિષ મિશ્રા ચલાવતો હતો એ પણ સ્પષ્ટ દેખાય છે. આશિષ જે રીતે ખેડૂતોને કોઈ પણ ચેતવણી આપ્યા વિના સીધી કાર ચડાવી દે છે તેના પરથી સ્પષ્ટ થઈ જાય કે, એ શું નક્કી કરીને આવ્યો હતો. આ ઘટનાથી આખા દેશમાં ખળભળાટ મચી ગયો હતો. પરંતુ ભાજપના નેતા મિશ્રાના દીકરાની તરફેણમાં બોલવા માંડયા હતા. અજય મિશ્રાના કપૂતે જાણી જોઈને કશું કર્યું નથી પણ ખેડૂતોએ હુમલો કર્યો તેનાથી બચવા માટે ભાગવા જતાં એક્સિડન્ટ થઈ ગયો હોવાની સ્ટોરી પણ ભાજપના ઘણા નેતાઓ કહેવા માંડયા હતા. યુપીમાં ભાજપની સરકાર છે અને અજય મિશ્રા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માનીતા હોવાથી સરકારની કોઈ પગલાં લેવાની ઈચ્છા નહોતી. કિન્તુ આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચતા જજે સરકારની ઝાટકણી કાઢતા યોગી આદિત્યનાથની સરકારે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ રચવી પડી. સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી તેમાં આશિષ મિશ્રાને ઉઠાવીને જેલમાં પણ પુરી દેવાયો હતો. આટલુ થયા પછી પણ ભાજપના નેતા મિશ્રાના દીકરાની તરફેણમાં બોલવાનું છોડતા ન હતા. લોકશાહી દેશમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાનો સૌકોઈને અધિકાર છે. ખેડૂતો પણ આ જ રીતે આંદોલન ચલાવતા હતા. પરંતુ આંદોલનકારી સામેની સૂગને કારણે ભાજપના નેતાઓ બેફામ બની ગયા. ભાજપના નેતાઓ તો મિશ્રાનો દીકરો બાપડો સાવ નિર્દોષ જુવાન છે અને તેનો કાંઈ વાંક જ નથી એવી વાતો કરતા થાકતા ન હતા. લખીમપુર ખીરીના બનબીરપુર ગામ પાસે બનેલી ઘટના એક અકસ્માત હતો એ વાતનું પઢાવેલા પોપટની જેમ મોટા ભાગના ભાજપના નેતા રટણ કર્યા કરતા હતા. જો કે, યોગી સરકારે રચેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે ભાજપના નેતાઓની આ બધી ફિલ્મી વાતોની હવા કાઢી નાખી છે. સીટના રિપોર્ટમાં ભાજપના નેતા સાવ જુઠ્ઠા છે એવું આડકતરી રીતે કહી દેવાયુ છે. સીટના અહેવાલમાં નોંધવામાં આવ્યુ છે કે, લખીમપુરની ઘટના અકસ્માત નહોતો પણ ખેડૂતોને કચડીને મારી નાખવા માટે આયોજનબદ્ધ રીતે ઘડાયેલું કાવતરું હતું. ટીમે પોતાની તપાસના આધારે આ ઘટનામાં કેટલીક ગંભીર કહેવાય એવી કલમો ઉમેરવા માટે કોર્ટ પાસે મંજૂરી માગી છે. આશિષ મિશ્રા સહિતના જેલની હવા ખાઈ રહેલા આરોપીઓ સામે આઈપીસીની કલમ ૩૦૭ (હત્યાનો પ્રયાસ), કલમ ૩૨૬ (ખતરનાક હથિયાર કે સાધનથી ઈરાદપૂર્વક ગંભીર ઈજા પહોંચાડવી), કલમ ૩૪ (એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા સામાન્ય ઉદ્દેશથી કૃત્ય કરવું) કલમો ઉમેરાઈ છે. આ કલમો હેઠળ વધારે તપાસ કરવા માટે આરોપીઓના રિમાન્ડ પણ એસઆઈટીએ માગ્યા છે. આ કેસમાં આશિષ તથા તેના સાગરીતો અંકિત દાસ અને સુમિત જયસ્વાલ સામે હત્યાનો કેસ પહેલાં જ નોંધાયેલો છે. તેના કારણે ત્રણેય જણ જેલની હવા ખાઈ રહ્યા છે. જામીન પણ નથી મળ્યા. ટીમના ચીફ ઈન્વેસ્ટિગેશન ઓફિસર વિદ્યારામ દિવાકરે સાફ શબ્દોમાં કહ્યું છે કે, આ કેસ બેજવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરવાનો નથી પણ આયોજનબદ્ધ રીતે કાવતરું ઘડીને ટોળાને કચડી નાંખવાનો, તેમની હત્યા કરવાનો અને હત્યાનો પ્રયત્ન કરવાનો છે.
પોલીસ અને ભાજપના નેતાઓનો દાવો છે કે, આ ઘટના પછી ઉશ્કેરાયેલા ટોળાએ ભાજપના કાર્યકરોની બરાબર ધોલાઈ કરી, તેમાં ત્રણ કાર્યકરો મરી ગયા. તેથી આ ઘટનામાં કુલ આઠ લોકોના મોત થયા છે. જયારે ખેડૂતો જુદી જ વાત કરે છે. તેમના કહેવા પ્રમાણે, છાકટા અજયે ચાર ખેડૂતોને કચડીને મારી નાખ્યા પછી પોતે તો ભાગવામાં સફળ રહ્યો પણ ભડકેલા ખેડૂતોના હાથે મિશ્રાના કાફલાની એક કાર ચડી ગઈ હતી. તેથી ગુસ્સો ઠાલવવા તેમણે આ કાર સળગાવી દીધી. તોફાને ચડેલા લોકોને રોકવા પોલીસે કરેલા ગોળીબારમાં બીજા પાંચ લોકોનાં મોત થયાં હતા.
પોલીસ અને ભાજપના નેતાઓની વાતને સાચી માનીએ તો એ ઘટના પણ અક્ષમ્ય છે. ભાજપના કાર્યકરોને બેફામ ધોઈને મારી નખાયા એ ઘટના કમનસીબ છે. પણ આશિષ મિશ્રાએ ચાર ખેડૂતોને કચડીને મારી નાખ્યા તેનું એ રીએક્શન હતું એ પણ એટલી જ હકીકત છે. ખેડૂતોએ પહેલાંથી કાવતરું કરીને ભાજપના કાર્યકરોની હત્યા નહોતી કરી, જ્યારે મિશ્રા તો ખેડૂતોની હત્યા કરવાના ઈરાદાથી જ આવ્યો હતો એવું સીટનું કહેવું છે. આમ તો સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે જે વાત કરી છે તેમાં નવું કંઈ નથી. 
કેમ કે, આ ઘટનાનો જે વીડિયો હતો તેમાં દેખાતું જ હતું કે, કારને ઈરાદાપૂર્વક જ ખેડૂતો પર ચઢાવી દેવાઈ હતી.
મિશ્રાના ઈરાદા વીડિયો પરથી સ્પષ્ટ જ હતા. પણ આપણે ત્યાં સત્તા હોય તેની સામે કશું કરવાની હિંમત નથી હોતી. તેમાં પણ મિશ્રા તો કેન્દ્રમાં રાજ્ય કક્ષા ગૃહ મંત્રી છે એ જોતાં  સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કશું કરશે એવી આશા કોઈને નહોતી. ટીમે એ ધારણાને ખોટી પાડી છે. મિશ્રા અને તેના સાગરીતો સામે કાવતરાની કલમો ઉમેરીને આ કેસને મજબૂત બનાવ્યો છે. સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની આ મર્દાનગી પાછળ યોગી આદિત્યનાથ પ્રેરણાસ્રોત હોવાનું કહેવાય છે. યુપીમાં બ્રાહ્મણ વર્સીસ ઠાકુર લોબીની લડાઈ જગજાહેર છે. યોગી આદિત્યનાથ પોતે ઠાકુર છે. જ્યારે અજય મિશ્રા બ્રાહ્મણોના દબંગ નેતા છે. ભાજપમાં નરેન્દ્ર મોદી પછી સર્વોપરિ નેતા બનવા માટે અમિત શાહ અને યોગી આદિત્યનાથ વચ્ચે જંગ ચાલે છે. મિશ્રા શાહના માનીતા છે એટલે યોગીને બહુ ગમતા નથી. મિશ્રા પોતાના કપૂતના કારણે ભેખડે ભેરવાયા છે.
એટલે યોગીને મોકો મળી ગયો છે. ખેડૂતોને રીઝવવાના બહાને ટાઢે પાણીએ ખસ કાઢવા યોગીએ સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમનો ઉપયોગ કરી લીધો છે.  સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે આશિષ મિશ્રા સામે વધારાની કલમો ઉમેરી તેના કારણે અજય મિશ્રાને સીધો ખતરો નથી પણ ગમે ત્યારે અજય મિશ્રાના પગ હેઠળ પણ રેલો આવી શકે. દીકરાએ કાવતરું બાપના ઈશારે ઘડેલું એવો દાવો પણ કાલે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ કરી શકે અને એવું થાય તો મિશ્રાએ ઘરભેગા થવું પડે તેમ છે. ઉત્તર પ્રદેશમાં બે મહિના પછી વિધાનસભાની ચૂંટણી છે અને અજય મિશ્રાને નહીં તગેડાય તો એ ભાજપને ભારે પડી શકે તેમ છે. આશિષ મિશ્રાને એમ જ હતું કે, મારો બાપ કેન્દ્રમાં ગૃહ મંત્રી છે તેથી મારું કોઈ કશું ઉખાડી શકે તેમ નથી. આ દેશમાં રાજકારણીઓનો એક વર્ગ સામંતશાહી માનસિકતામાં જીવે છે. લખીમપુરખીરની આ ઘટના તેનો મોટા પુરાવો છે.