મધ્ય પ્રદેશ સરકારનું ફરમાન, નસબંધી ન કરાવનાર કર્મચારીઓની નોકરી જશે

February 22, 2020

ભોપાલ : મધ્ય પ્રદેશ સરકારે જે આરોગ્ય કર્મચારીઓ એક પણ પુરૂષની નસબંધી નથી કરાવી શક્યા તેમને પગાર નહીં મળે અને સેવાનિવૃત્તિ આપી દેવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. જો કે, આ મુદ્દે ઘેરાઈ ગયા બાદ કમલનાથ સરકારે વિવાદિત આદેશ પાછો ખેંચી લીધો હતો અને રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનના સંચાલક છવિ ભારદ્વાજની બદલી કરી દીધી છે. 

હકીકતે રાષ્ટ્રીય આરોગ્ય અભિયાન દ્વારા રાજ્યના આરોગ્ય કર્મચારીઓને ઓછામાં ઓછા એક સદસ્યની નસબંધી કરાવવાનું સૂચન આપવામાં આવ્યું હતું. સાથે જ સરકારે જે કર્મચારી પોતાનો ટાર્ગેટ પૂરો નહીં કરી શકે તેને પગાર નહીં ચુકવાય અને સેવાનિવૃત્તિ આપી દેવામાં આવશે તેવી ધમકી આપી હતી. 

આ મુદ્દે ભારે ફજેતી થયા બાદ કમલનાથ સરકારે આખરે આદેશ પાછો ખેંચી લીધો છે. મધ્ય પ્રદેશમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓને એક મહીના દરમિયાન પાંચથી 10 પુરૂષોનું નસબંધીનું ઓપરેશન કરવા આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ રાજ્ય સરકારે અગાઉના આદેશમાં લક્ષ્ય પૂરો ન કરી શકે તેવા કર્મચારીઓને નો વર્ક, નો પેના આધાર પર વેતન આપ્યા વગર ફરજિયાતપણે સેવામાંથી નિવૃત્ત કરી દેવાની ધમકી પણ આપી હતી. 

જો કે, વિવાદ બાદ આ આદેશ પાછો ખેંચી લેવામાં આવ્યો છે અને સહલાવતે રાષ્ટ્રીય આરોગ્ય અભિયાનના સંચાલક છવિ ભારદ્વાજની બદલી કરીને તેમને સચિવાલયમાં ઓએસડી બનાવી દેવામાં આવ્યા હોવાની જાણકારી આપી હતી. 

પરિવાર નિયોજન અભિયાન અંતર્ગત દર વર્ષે પ્રદેશના જિલ્લાની કુલ વસ્તીના 0.6 ટકા નસબંધીના ઓપરેશનનું લક્ષ્ય આપવામાં આવ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં જ આ લક્ષ્ય પૂરૂં થઈ શક્યું હતું અને તેમાં પુરૂષોની સહભાગિતા ખૂબ જ ઓછી હતી જેથી છવિ ભારદ્વાજે તે અંગે નારાજગી દર્શાવીને તમામ કલેક્ટર, મુખ્ય તબીબો, આરોગ્ય વિભાગના અિધકારીઓને પત્ર લખીને કર્મચારીઓને લક્ષ્યાંક આપવા જણાવ્યું હતું. પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે તે આદેશને ઈમરજન્સી પાર્ટ-2 સાથે સરખાવ્યો હતા.