રાજીનામાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના CM ઠાકરેને કોરોના પોઝિટિવ, કમલનાથને પણ ન મળ્યા

June 22, 2022

ગુવાહા : રાજીનામાની અટકળો વચ્ચે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કોરોના થયો છે. તેઓ કોંગ્રેસના નેતા કમલનાથને પણ મળ્યા નથી. બીજી તરફ, ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટની ઇમર્જન્સી બેઠક બોલાવી છે, જેમાં તેઓ વર્ચ્યુઅલી જોડાઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરે સરકાર વિધાનસભા ભંગ કરી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ સંકેત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે પોલિટિકલ હલચલ ચાલી રહી છે, એ વિધાનસભા ભંગ કરવાની દિશામાં આગળ વધી રહી છે.

મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હવે ગુજરાતથી આસામ પહોંચ્યા છે. એકનાથ શિંદે સહિત 40 બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસ દ્વારા તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

અહીં એકનાથ શિંદેએ ફરી જણાવ્યું હતુ કે અમે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જઈશું. અગાઉ તેમણે સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી. હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે. અમારી સાથે 40 ધારાસભ્ય ગુવાહાટી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે 33 ધારાસભ્ય શિવસેનાના છે અને 7 ધારાસભ્ય અપક્ષના છે.

મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી કોવિડ સંક્રમિત થયા છે. તેમને હાલ HN રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોશિયારીની તબિયત કેવી છે, તેમને કોવિડના ગંભીર અથવા સામાન્ય લક્ષણો છે કે નહીં એ વિશે કોઈની પાસે માહિતી નથી. મહારાષ્ટ્રમાં અત્યારે ઉદ્ધવ ઠાકરેની સરકાર મુશ્કેલીમાં દેખાય છે. તેમના મંત્રી એકનાથ શિંદે બળવાખોર બન્યા છે. તેમની સાથે શિવસેના અને અપક્ષના થઈને 40 ધારાસભ્ય છે. આ દરેક લોકો અત્યારે આસામના ગુવાહાટીમાં છે.

મંગળવારે એકનાથે દાવો કર્યો હતો કે મારી સાથે 41 ધારાસભ્ય છે, જેમાંથી 34 શિવસેનાના છે અને 7 અપક્ષના છે. બાદમાં સમાચાર આવ્યા કે ધારાસભ્ય નીતિન દેશમુખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ કરી હોવાના આક્ષેપ કરાયા હતા, એ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમનાં પત્નીએ અકોલામાં તેમના ગુમ થવાની ફરિયાદ લખાવી હતી. હવે મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ સુરત પહોંચવાની છે. આ સહિત 41 બળવાખોર ધારાસભ્યો હતા.