મહારાષ્ટ્ર સંકટ: શિવસેનાના વધુ 3 ધારાસભ્યો ટીમ શિંદેમાં સામેલ, હવે માત્ર એકની જ જરૂર

June 23, 2022

મુંબઈ : મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલ પાથલ વચ્ચે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારે રાત્રે મુખ્યમંત્રી આવાસ વર્ષા છોડીને પોતાનું પારિવારિક આવાસ માતોશ્રી ચાલ્યા ગયા હતા. પાર્ટીના કાર્યકરોની ભારે ભીડ વચ્ચે ઉદ્ધવ તેમના પુત્ર આદિત્ય અને પરિવારના સભ્યો સાથે માતોશ્રી પહોંચ્યા હતા જ્યાં તેમનું ફૂલોની વર્ષા કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. શિવસૈનિકો તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમણે માતોશ્રીની બહાર ઉતરીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું.

જાણો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં શું થયું

1. શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો બાગી ટીમમાં સામેલ થવા માટે આજે સવારે આસામના ગુવાહાટી માટે રવાના થયા છે. દીપ કેસકર (સાવંતવાડી ના ધારાસભ્ય), મંગેશ કુડલકર (ચેમ્બૂર) અને સદા સર્વંકર (દાદર)એ મુંબઈથી ગુવાહાટી જવા માટે સવારની ઉડાન ભરી હતી. શિંદે પાસે હવે 36 ધારાસભ્યો (પાર્ટીના 55 ધારાસભ્યોમાંથી) છે. હવે શિંદેને માત્ર વધુ એક જ ધારાસભ્યની જરૂર છે. 5 અપક્ષ ધારાસભ્યો પણ શિંદેની સાથે છે.

2.શિવસેના નેતા એકનાથ શિંદેના બળવા વચ્ચે ટોચનું પદ છોડવાની રજૂઆત બાદ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે બુધવારે રાત્રે દક્ષિમ મુંબઈના પોતાના સત્તાવાર આવાસથી ઉપનગરીય બાંદ્રા સ્થિત પારિવારિક આવાસ માતોશ્રી ચાલ્યા ગયા હતા. બંગલો છોડતા પહેલા રાજકીય સંકટ અંગે પોતાનું મૌન તોડતા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બુધવારે કહ્યું હતું કે, જો બળવાખોર ધારાસભ્યો જાહેર કરે છે કે તેઓ તેમને મુખ્યમંત્રી તરીકે જોવા નથી માંગતા તો તેઓ પદ છોડવા માટે તૈયાર છે.

3. તમને જણાવી દઈએ કે, બુધવારે ઠાકરેની કોરોના વાયરસથી સંક્રમિત હોવાની પુષ્ટિ કરી છે. તેમણે 18 મિનિટ લાંબા વેબકાસ્ટમાં બાળવાખોર નેતાઓ અને સામાન્ય શિવ સૈનિકોને ભાવુક અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, જો શિવ સૈનિકોને લાગે છે કે, હું પાર્ટીનું નેતૃત્વ કરવામાં સક્ષમ નથી તો હું શિવસેનાનું અધ્યક્ષ પર છોડવા માટે પણ તૈયાર છું.

4. ઠાકરેએ જણાવ્યું કે, સુરત અને અન્ય સ્થળોએથી નિવેદન શા માટે આપી રહ્યા છો? મારી સામે આવીને મને કહો કે, હું મુખ્યમંત્રી અને શિવસેનાનું અધ્યક્ષ પદ સંભાળવા માટે સક્ષમ નથી. તો હું તાત્કાલિક રાજીનામું આપી દઈશ.

5. મહારાષ્ટ્રથી આવેલા શિવસેનાના બાગી ધારાસભ્યોના એક સમૂહને જે લક્ઝરી હોટલમાં રાખવામાં આવ્યા છે તે હોટલની બહાર  સુરક્ષા કર્મી તૈનાત છે. આ સાથે રેડિસન બ્લુ હોટેલ કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે.

6. શિવસેનાના બાગી નેતા એકનાથ શિંદેએ બુધવારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં સત્તારુઢ મહા વિકાસ અઘાડી એક અપ્રાકૃતિક ગઠબંધન છે અને તેમની પાર્ટી માટે આવશ્યક છે કે. પોતાની અને પાર્ટી કાર્યકર્તાઓના હિતમાં NCP અને કોંગ્રેસ સાથેના આ ગઠબંધનથી બહાર નીકળે. 

7. ગુવાહાટીમાં ધામા નાખી શિવસેનાના બાગી એકનાથ શિંદેએ દાવો કર્યો છે કે, તેમને પોતાની પાર્ટીના 33 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત છે. 

8. શિંદે ટીમ દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 2019ની મહારાષ્ટ્ર ચૂંટણી બાદ બીજેપી સાથે સબંધ તોડવાના શિવસેનાના નેતૃત્વના નિર્ણયનો પાર્ટી કાર્યકર્તા અને મતદારો પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. મહારાષ્ટ્રની 288 સદસ્યોની વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી શિવસેનાના 55 ધારાસભ્યો છે.