મહારાષ્ટ્ર : ગૂગલ મેપે બતાવ્યો મોતનો રસ્તો, કાર ડેમમાં પડતા એક વ્યક્તિનું મોત

January 12, 2021

મુંબઇ- સામાન્ય રીતે લોકો અજાણી જગ્યા પર યાત્રા કરતા સમયે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે, પરંતુ દરેક સમયે ગૂગલ મેપ ઉપર નિર્ભર રહેવાનું જોખમા બની શકે છે. મહારાષ્ટ્રના અહમદનગરના અકોલેમાં ગૂગલ મેપની મદદ લેવાનું એક વ્યક્તિને એટલું ભારે પડ્યું કે તેનું મોત થયું છે.મળતી માહિતિ પ્રમાણે રવિવારે રાત્રે ત્રણ લોકો ફોર્ચ્યુનર ગાડીમાં કાલસુબાઇ જવા માટે નિકળ્યા હતા. ત્યાં જવા માટે તેમણે ગૂગલ મેપનો સહારો લીધો હતો. તેવામાં ગૂગલ મેપની અંદર ખોટી માહિતિ હોવના કારણે તેમની ગાડી ડેમની અંદર પડી ગઇ.
આ ઘટનાની અંદર 34 વર્ષના સતીશ ધુલેનું મોત થયું છે. જો કે બાકીના બે લોકો સલામત છે. 
અકોલે પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર અભય પરમારના જણાવ્યા પ્રમાણે આ ઘટના રવિવારે રાતે 1:45 કલાકે બની છે. પુણે નિવાસી સતીશ ધુલે પોતાના બોસ ગુરુ શેખર અને દોસ્ત રાજુરકર સાથે ટ્રેકિંગ કરવા માટે કાલસુબાઇના પહાડ પર જતો હતો. રાત્રિના અંધારામાં ત્રણે ભુલા પડ્યા અને ગૂગલ મેપની મદદ લીધી. મેપમાં દેખાતા રસ્તા પર ચાલવા જતા કાર પાણીમાં ફસાઇ ગઇ.
આ દરમિયાન શેખર અને રાજુરકર બારીનો કાચ તોડીને બહાર નિકળી ગયા અને તરીને પોતનો જીવ બચાવવામાં સફળ રહ્યા. પરંતુ સતીષને તરત નહોતું આવડતું જેના કારણે તેનું મોત થયું. પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે.