મહારાષ્ટ્ર સરકારની ઉદારતા : કોરોનાનાં બધાં દરદીઓની સારવાર મફત થશે

April 02, 2020

મુંબઇ : મહારાષ્ટ્રમાં બુધવારથી (૧, એપ્રિલ ૨૦૨૦)થી કોરોનાનાં તમામ દરદીઓની નિઃશુલ્ક સારવાર થશે. આવી ઉમદા વ્યવસ્થા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજના (એમ.જે.પી.જે.એ.વાય.) અંતર્ગત કરવામાં આવી છે. કોરોનાની બીમારીના જે કોઇ દરદી પાસે આ યોજનાનું (એમ.જે.પી.જે.એ.વાય) કાર્ડ નહીં હોય અથવા ગરીબી રેખા નીચે જીવતા હોય તેવા દરદીઓની તબીબી સારવારનો ખર્ચ પણ મહારાષ્ટ્ર સરકાર ઉઠાવશે એવી માહિતી રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ આપી હતી.

સાથોસાથ રાજ્ય સરકારે આવા દરેક કુટુંબની પ્રત્યેક વ્યક્તિના વિમાની રકમની મર્યાદાપણ વધારીને દોઢ લાખ રૂપિયા કરી છે.

આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ એવી માહિતી પણ આપી હતી કે કોરોનાના ચેપી રોગના દરદીઓ જે કોઇ સુનિશ્ચિત કરેલી હોસ્પિટલમાં સારવાર લેતા હશે તેની સારવારનો બધો જ ખર્ચ રાજ્ય સરકાર કરશે. આમ પણ રાજ્ય સરકારે રાજ્યનાં તમામ ૧૨ કરોડ નાગરિકોનો વીમો પણ લીધો છે. વળી મહાત્મા જ્યોતિબા ફૂલે જન આરોગ્ય યોજવામાં વધુ હોસ્પિટલોનો પણ સમાવેશ કર્યો છે. જે સંખ્યા ૪૯૨થી ૧૦૦૦ની થઇ છે. 

હાલ આ યોજના સાથે મુંબઇની ૬૦ હોસ્પિટલો જોડાયેલી છે. આમ છતાં મોટા  ટ્રસ્ટવાળી હોસ્પિટલો હજી આ યોજના સાથે નથી જોડાઇ.

મહાત્મા જ્યોતિબાફૂલે જન આરોગ્ય યોજનાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિર સુધાકર શિંદેએ એવી માહિતી આપી હતી કે કોરોનાનો જે કોઇ દરદી હતી કે કોરોનાનો જે કોઇ દરદી તેની જાતે શહેરની કે રાજ્યની કોઇ ફાઇવસ્ટાર સુવિધાવાળી હોસ્પિટલમાં દાખલ થશે તો તેની સારવારનો ખર્ચ રાજ્ય સરકાર નહી કરી શકે.

આમ છતાં જે દરદી આ યોજના સાથે જોડાયેલી હોસ્પિટલમાં સારવાર લેશે તેનો બધો ખર્ચ રાજ્ય સરકાર કરશે. વળી કોવિડ- ૧૯ (કોરોના વાઇરસ ડિસીઝ- ૨૦૧૯) દરદીઓ એટલે કે જેને કોરોનાનો ચેપ લાગ્યો છે અને તેનો તબીબી  રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે કે ફક્ત એજ દરદીઓ નહી પણ જે જે દરદીઓને શ્વાસોચ્છવાસની તકલીફ પણ થઇ છે. અને જેમને વેન્ટિલેટરની મદદની જરૂર છે તેવાં તમામ દરદીઓનો સમાવેશ પણ આ યોજનામાં કરાશે. વળી કોરોના ખરેખર બહુ ગંભીર અને ચેપી રોગ છે એટલે તેનો ચેપ ઘણાં કુટુંબોમાં એક કરતા વધુ સભ્યોને લાગ્યો છે.

સુધાકર શિંદેએ એવી માહિતી પણ આપી હતી કે રાજ્યના સરહદી જિલ્લાઓ પાલઘર અને સિંધુદુર્ગની હોસ્પિટલોનો સમાવેશ પણ આ યોજનામાં કરાયો છે. આ વરસે રાજ્ય સરકાર પ્રત્યેક પરિવારના વીમાના પ્રિમિયમની રકમમાં પણ ૬૪૦ રૂપિયાથી ૭૯૭ રૂપિયાનો વધારો કરશે. આમ રાજ્ય સરકાર પર ૩૩૦ કરોડનો મોટો બોજો પણ વધશે. ઉપરાંત રાજ્ય સરકારે આ યોજનામાં અગાઉ જે ૧૨૦ તાલુકા હતા તેની સંખ્યામાં પણ વધારો કરીને ૨૩૦ તાલુકાનો સમાવેશ કર્યો છે.