મુંબઇ સહિત મહારાષ્ટ્રમાં ફરીથી ફૂલગુલાબી ઠંડીની ચાદર પથરાશે : હવામાન ખાતાનો સંકેત

February 22, 2020

મુંબઇ : છેલ્લા એકાદ સપ્તાહથી ગરમી અને ઉકળાટનો અણગમતો અનુભવ કરી રહેલાં મુંબઇગરાં માટે રાહતના સમાચાર છે.સમાચાર છે મુંબઇ અને મહારાષ્ટ્રમાં ફૂલગુલાબી ઠંડીનું વાતાવરણ ફરીથી સર્જાય તેવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.

ગઇ ૧૭,ફેબુ્રઆરીએ મુંબઇમાં ગરમીનો પારો ૩૮.૧ ડિગ્રી સેલ્સિયસ જેટલો ધગધગતો નોંધાયો હતો.આવા ઉકળતા વાતાવરણનેકારણે મુંબઇગરાં ત્રાહીમામ પોકરી ગયાં હતાં.વળી, મુંબઇમાં ફેબુ્રઆરીમાં આટલું ઊંચું તાપમાન ૫૪ વરસ પહેલાં એટલે કે ૨૫,ફેબુ્રઆરી-૧૯૬૬ના દિવસે ૩૯.૬ ડિગ્રી નોંધાયું હતું જે અત્યારસુધીનો રેકોર્ડ છે.૧૭,ફેબુ્રઆરી બાદ પણ મુંબઇમાં બપોરે ગરમ લૂ ફૂંકાતી હોવાથી મુંબઇગરાં અચાનક થયેલા ઋતુ પરિવર્તનથી ચિંતામાં મૂકાઇ ગયા હતા. 

હવામાન ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ડો.કે.એસ.હોસાલીકરે ગુજરાત સમાચારને જણાવ્યું હતું કે આવતા ૨-૩ દિવસ દરમિયાન મુંબઇમાં વહેલી સવારે ફરીથી તાપમાનનો પારો ૨૦ ડિગ્રી સેલ્સિયસ કરતાં નીચો ઉતરે એવાં કુદરતી પરિબળો સર્જાઇ રહ્યાં છે.પરિણામે વાતાવરણમાં આછેરી ઠંડીનો અનુભવ થશે.આવું ઠંડુ વાતાવરણ લગભગ એકાદ અઠવાડિયા સુધી રહે તેવી પણ શક્યતા છે.એટલે કે ૨૬-૨૭ ફેબુ્રઆરી દરમિયાન મુંબઇમાં લઘુત્તમ તાપમાનનો પારો ફરીથી નીચો ઉતરીને ૧૪-૧૬ ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાય તેવી સંભાવના છે.

આજે  કોલાબામાંંમહત્તમ તાપમાન ૩૧.૦ અને લઘુત્તમ તાપમાન ૨૧.૪ ડિગ્રી જ્યારે સાંતાક્રૂઝમાં મહત્તમ તાપમાન ૩૩.૫ અને લઘુત્તમ તાપમાન ૨૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.આજે કોલાબામાં ભેજનું પ્રમાણ ૯૦ ટકા જ્યારે સાંતાક્રૂઝમાં ભેજનું પ્રમાણ ૮૦ ટકા નોંધાયું હતું.

બીજીબાજુ છેલ્લા એકાદ સપ્તાહથી મુંબઇ સહિત  મહારાષ્ટ્રનાં મોટાભાગનાં સ્થળોએ પણ ગરમીનો પારો સરેરાશ ૩૫ ડિગ્રી સેલ્સિયસ જેટલો નોંધાય છે.ખાસ કરીને મધ્ય મહારાષ્ટ્રનાં નાશિક,પુણે,સાંગલી,સાતારા વગેરેમાં ગરમીનું પ્રમાણ વધ્યું હતું.આજે નાશિકમાં મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી,પુણે-૩૫.૦,સાંગલી-૩૫.૦,સોલાપુર-૩૫.૦,અહમદનગર-૩૫.૬,પરભણી-૩૬ અને અમરાવતી-૩૫.૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.