ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું 100 વર્ષની વયે અવસાન

August 03, 2022

ગુજરાતી સાહિત્યને આજે મોટી ખોટ પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું છે. હજુ થોડા સમય પહેલા જ તેઓ શતાયુ થયા હતા. મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીના અંગે અંગમાં વહેતો હતો. પિતા મેઘાણીની સવા શતાબ્દી અને પુત્ર મહેન્દ્ર મેઘાણીના આયુષ્યની શતાબ્દીનો અનોખો સંયોગ પણ સર્જાયો હતો. 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મહેન્દ્ર મેઘાણીના નિધનથી ગુજરાતના સાહિત્યજગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. મહેન્દ્ર મેઘાણીના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં તેઓના નિધનની જાણકારી આપવામાં આવી હતી. સાથે પોસ્ટમાં જણાવાયું હતું કે, મહેન્દ્ર મેઘાણીની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી (વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર) તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાને જશે.

મહેન્દ્ર મેઘાણીનો વર્ષ 1923ની 20મી જૂને તેમનો મુંબઈમાં જન્મ થયો હતો. એટલે આ તેમનું શતાબ્દી વર્ષ હતું. ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં તેમણે પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જીવનના ઘણા વર્ષો તેમણે અમેરિકામાં પસાર કર્યા હતા.