મહેસાણાની યુવતિની અમેરિકન આર્મીમાં પસંદગી

February 05, 2020

- અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં પરિવાર સાથે વર્ષોથી વસવાટ કરે છે


મહેસાણા- મહેસાણા તાલુકાના કંથરાવી ગામની યુવતિની અમેરીકન આર્મીમાં પસંદગી થઈ છે. યુએસ આર્મીમાં પ્રથમવાર ગુજરાતની કોઈ યુવતિ જોડાઈ હોવાનું બહુમાન તેણીએ મેળવ્યું છે. વર્ષોથી આ યુવતિ અમેરિકાના અલબામા સ્ટેટના મોન્ટગોમેરીમાં પોતાના પરિવાર સાથે વસવાટ કરે છે. તેની આ સફળતાથી મહેસાણાના સાત ગામ પાટીદાર સમાજ સહિત સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે.


મહેસાણાના કંથરાવી ગામના વતની રસીકભાઈ પટેલ વર્ષોથી ધંધાર્થે અમેરિકામાં આવેલા અલબામા સ્ટેટના મોન્ટગોમેરી શહેરમાં સ્થાયી થયા છે. તેઓ અહીં રેસ્ટોરન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પોતાની ધર્મપત્ની અને દિકરી નેવીયા (ઉ.વ.૨૧) સહિત પરિવાર સાથે રહે છે. વર્ષોથી કંથરાવી છોડીને અમેરિકા પહોંચ્યા હોવાથી પોતાના સંતાનોના ઉચ્ચ શિક્ષણની સાથે ભારતીય સંસ્કારોનું સિચન કર્યું છે.

રસીકભાઈ પટેલની દિકરી નેવીયાએ ધો.૧ થી ૭ સુધીનો અભ્યાસ મહારાષ્ટ્રના પંચગીનીમાં મેળવ્યું છે. ત્યારબાદ તેણી પોતાના પરિવાર સાથે અમેરિકા જતી રહી હતી અને અહીં જ તેણીએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ નેવીયાએ અમેરિકામાં આર્મીની સઘન તાલીમ મેળવી હતી. જેમાં તેના માતા-પિતા ઉપરાંત મામા હરેશભાઈ અને પરેશભાઈએ સંપૂર્ણ સહયોગ પુરો પાડી સતત હુંફ આપી હતી. ત્યારબાદ નેવીયાએ યુએસ લશ્કરમાં જોડાવવા માટે પ્રયત્નો શરૃ કર્યા હતા. અને તાજેતરમાં તેણી અમેરિકન આર્મીમાં પસંદગી પામતાં સમગ્ર પરિવાર આનંદવિભોર બન્યો હતો. સૂત્રોએ જણાવ્યા પ્રમાણે નેવીયાને બાળપણથી જ કોઈ ચેલેન્જીંગ કામ કરવાની મહેચ્છા હતી. જેમાં અમેરિકામાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેણીએ યુએસ આર્મીમાં જોડાવવાનો દ્રઢ નિશ્ચય કર્યો હતો. અને અથાગ પરિશ્રમ કરી આર્મીની તાલીમ મેળવી હતી. ત્યારબાદ તેણીની અમેરિકન આર્મીમાં પસંદગી થતાં તેણે વિદેશમાં પણ ભારતનો ડંકો વગાડયો છે.

- અમેરિકન આર્મીમાં જોડાનાર ઉત્તર ગુજરાતની પ્રથમ યુવતિ
પ્રાથમિક શિક્ષણ મહારાષ્ટ્રના પંચગીનીમાં મેળવ્યા બાદ પરિવાર સાથે અમેરિકામાં વસવાટ કરનાર નેવીયા પટેલે પોતાનું ગ્રેજ્યુએશન ત્યાં જ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણીએ અમેરિકન આર્મીમાં સેવા આપવાનો લક્ષ બનાવતાં સઘન તાલીમ મેળવી છેવટે યુએસ આર્મીમાં પસંદગી પામી ઉત્તર ગુજરાતની પ્રથમ યુવતિ બનવાનો સૌભાગ્ય પ્રાપ્ત કર્યું છે.