પુરૂષો પણ બને છે 'ઘરેલુ હિંસા'નો ભોગ, 10 ટકા મહિલાઓએ પતિદેવોને કારણ વગર આપ્યો છે મેથીપાક

May 28, 2022

નવી દિલ્હી: રાજસ્થાનના અલવર ખાતેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોતાના પતિને બેટ વડે માર મારતી હોવાનું જણાઈ રહ્યું છે. તે વીડિયોમાં દેખાઈ રહેલા શખ્સ એક સરકારી શાળાના પ્રિન્સિપાલ છે અને તેમના ઘરનો સીસીટીવી વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેમના પત્ની તેમને દોડાવી-દોડાવીને માર મારતા દેખાઈ રહ્યા છે. દાવા પ્રમાણે તેમના પત્ની ઘણી વખત તેમના સાથે આ પ્રકારની મારપીટ કરતા હોય છે. રાજસ્થાનની આ વાયરલ ઘટના કોઈ પહેલો કેસ નથી જેમાં પત્ની પોતાના પતિ સાથે મારપીટ કરતી હોય. ભારતમાં એવા અનેક લોકો છે જેમના સાથે તેમની પત્ની મારપીટ કરે છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)ના અહેવાલ પ્રમાણે 18થી 49 વર્ષની ઉંમરની 10 ટકા મહિલાઓ એવી છે જેમણે ક્યારેક તો પોતાના પતિ પર હાથ ઉપાડેલો છે. એ પણ એવા સંજોગોમાં જ્યારે તેમના પતિએ તેમના સાથે કોઈ પણ પ્રકારની હિંસા ન કરી હોય. મતલબ કે, 10 ટકા મહિલાઓએ કારણ વગર જ પોતાના પતિ સાથે મારપીટ કરી છે.  સર્વેમાં સામેલ 11 ટકા મહિલાઓએ પોતે છેલ્લા એક વર્ષમાં પોતાના પતિ સાથે હિંસા આચરી હોવાનું સ્વીકાર્યું હતું. સર્વે પ્રમાણે ઉંમર વધવાની સાથે સાથે પતિ સાથે હિંસા કરનારી મહિલાઓની સંખ્યા પણ વધી જાય છે. 18થી 19 વર્ષની 1 ટકાથી પણ ઓછી મહિલાઓએ પતિ સાથે હિંસા આચરેલી. જ્યારે 20થી 24 વર્ષની ઉંમરની આશરે 3 ટકા મહિલાઓ એવી છે જેમણે પોતાના પતિ સાથે હિંસા આચરી હોય. આ જ પ્રકારે 25થી 29 વર્ષની ઉંમરની 3.4%, 30થી 39 વર્ષની 3.9% અને 40થી 49 વર્ષની 3.7% મહિલાઓએ પોતાના પતિ સાથે મારપીટ કરેલી. 
આંકડાઓ પ્રમાણે શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં રહેતી મહિલાઓ પતિ સાથે વધુ હિંસા કરે છે. શહેરી વિસ્તારોમાં રહેતી 3.3% જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતી 3.7% મહિલાઓએ પોતાના પતિદેવો સાથે મારપીટ કરેલી છે.
આશ્ચર્યની વાત એ છે કે, પતિ પોતાની પત્ની સાથે મારપીટ કરે કે પત્ની પોતાના પતિ સાથે મારપીટ કરે, બંને કેસમાં તે ગુનો જ કહેવાય પરંતુ ઘરેલુ હિંસાથી સુરક્ષાના કાયદા માત્ર મહિલાઓ માટે જ છે. આ કારણે જો પત્ની પોતાના પતિ સાથે મારપીટ કરે તો તે ઘરેલુ હિંસાનો કેસ ન ગણાઈ શકે.