યૂઝર્સનો ડેટા રિસર્ચ ફર્મ સાથે શેર કરવા બદલ મેટા 60 હજાર કરોડ વળતર ચૂકવશે

December 24, 2022

ફેસબુકે તેના યૂઝર્સનો ડેટા કેમ્બ્રિજ એનાલિટિકા નામની એક રિસર્ચ ફર્મ સાથે ગેરકાયદે રીતે શેર કર્યો હોવાના લાંબા સમયથી ચાલતા કેસમાં મેટા પ્લેટફોર્મ્સ 72.50 કરોડ ડોલર (અંદાજે 60,000 કરોડ રૂપિયા) વળતર ચૂકવવા સંમત થઈ છે. ડેટા પ્રાઇવસીના કેસમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું વળતર છે.

બ્રિટનની ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકા 2016માં અમેરિકાની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પના ચૂંટણીપ્રચાર અભિયાન સાથે સંકળાયેલી હતી અને તેણે ફેસબુકના 8.70 કરોડ યૂઝર્સનો ડેટા મેળવ્યો હોવાનું બહાર આવ્યા બાદ 2018માં યૂઝર્સે ફેસબુક સામે કેસ કર્યો હતો. જોકે, સમાધાનની આ ફોર્મ્યુલાને અંતિમ ઓપ આપતા પહેલાં ફેડરલ જજની મંજૂરી મેળવવાની રહેશે. કેસ ચાલ્યો હોત અને મેટા પ્લેટફોર્મ્સ કેસ હારી ગઈ હોત તો તેણે આનાથી અનેકગણું વધારે વળતર ચૂકવવું પડયું હોત.