મિશેલ માર્શ-વોર્નરનો ધમાકો, દિલ્હી કેપિટલ્સનો 8 વિકેટે વિજય

May 12, 2022

મુંબઈઃ મિશેલ માર્શ (62 બોલમાં 89 રન) અને ડેવિડ વોર્નર (અણનમ 52 રન) ની મદદથી દિલ્હી કેપિટલ્સે મહત્વની મેચમાં રાજસ્થાન રોયલ્સને 8 વિકેટે પરાજય આપી પ્લેઓફની આશા જીવંત રાખી છે. પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 160 રન બનાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સે 18.1 ઓવરમાં 2 વિકેટે 161 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. આ જીત સાથે દિલ્હીના 12 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ થઈ ગયા છે. તે ટેબલમાં પાંચમાં સ્થાને છે. તો રાજસ્થાન રોયલ્સની ટીમ 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવી ટેબલમાં ત્રીજા સ્થાને છે. 

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે એસ ભરત (0)ના રૂપમાં પ્રથમ ઓવરમાં વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ મિશેલ માર્શ અને ડેવિડ વોર્નરે શરૂઆતમાં સંભાળીને બેટિંગ કરી અને પછી આકર્ષક શોટ્સ ફટકાર્યા હતા. માર્શ અને વોર્નરે બીજી વિકેટ માટે 144 રનની ભાગીદારી કરી હતી. પોતાના આઈપીએલ કરિયરની પ્રથમ અડધી સદી ફટકારતા મિશેલ માર્શે 62 બોલમાં 7 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી 89 રન બનાવ્યા હતા. તો ડેવિડ વોર્નર 41 બોલમાં 5 ચોગ્ગા અને 1 સિક્સ સાથે અણનમ 52 રન બનાવ્યા હતા. પંત 4 બોલમાં 13 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો.


આ સીઝનમાં દમદાર પ્રદર્શન કરનાર જોશ બટલર દિલ્હી સામે માત્ર 7 રન બનાવી આઉટ થયો હતો. બટલરને ચેતન સાકરિયાએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. તો યશસ્વી જાયસવાલ 19 બોલમાં 19 રન બનાવી આઉટ થયો હતો. દિલ્હીએ પાવરપ્લેમાં એક વિકેટે 43 રન બનાવ્યા હતા.