હેબતપુર પાસે ઝાડીમાંથી મળેલી આધેડની લાશનો ભેદ ઉકેલાયો : 2 હત્યારા ઝડપાયા

June 28, 2020

- લૂંટના ઈરાદે હત્યા કરી હોવાની કબૂલાત કરી : 22 મી જૂને આધેડની લાશ બાવળની ઝાડીઓમાં મળી હતી


બગોદરા- ધોલેરા પોલીસ મથકની હદમાં આધેડ વ્યક્તિની હત્યાનો બનાવ બન્યો હતોજે અંગે ફરિયાદના આધારે અમદાવાદ ગ્રામ્ય પોલીસવડા આર.વી.અસારીની સુચનાથી એલસીબી અને સ્થાનિક પોલીસે અલગ-અલગ ટીમો બનાવી હત્યાના આરોપીઓને ઝડપી પાડવા સુચનાઓ આપવામાં આવી હતી જેના ભાગરૃપે એલસીબી પીઆઈ ડી.એન.પટેલ, પીએસઆઈ એ.કે.જાડેજા, બી.એચ.ઝાલા સહિતનાઓએ ઘટના સ્થળે વિઝીટ કરી ફરિયાદ તેમજ સાહેદોની પુછપરછ હાથધરી હતી તેમ છતાંય કોઈ જ કડી હાથ લાગી નહોતી આથી મૃતકના મિત્રો અને તેની બેઠક સહિતની માહિતી તેમજ ઈલેકટ્રોનીક સર્વેલન્સના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી અને ચોક્કસ બાતમીના આધારે હત્યાના બે આરોપીઓને ઝડપી પાડયાં હતાં.
ધોલેરા તાલુકાના સાંગાસર ગામના વતની અને ખેતી કરતાં ફરિયાદી મનીષભાઈ ભીમાભાઈ ઠેભાણીના પિતા ભીમાભાઈ સવજીભાઈ ઠેભાણી ઉ.વ.૫૫ના મોબાઈલ પર ગત તા.૧૯ જુનના રોજ રાત્રે ફોન આવ્યો હતો અને ત્યારબાદ ભીમાભાઈ બાઈક લઈને ઘેરથી નીકળ્યાં હતાં અને પરત આવ્યાં નહોતા અને મોબાઈલ ફોન પણ બંધ આવતો હતો અને શોધખોળ હાથધરતાં કોઈ જ પત્તો લાગ્યો નહોતો અને ત્યારબાદ ગત તા.૨૨ જુનના રોજ ભાવનગર-ધોલેરા હાઈવે પર હેબતપુર ગામનાં પાટીયા પાસે આવેલ જુપાળી નામથી ઓળખાતી સીમમાં બાવળની જાડીમાંથી ડી કંમ્પોઝ હાલતમાં લાશ મળી આવી હતી. જેને જોતા અજાણ્યા શખ્સોએ અગમ્ય કારણોસર બોથડ પદાર્થ વડે ઈજાઓ પહોંચાડી હત્યા નીપજાવી હતી જે અંગે ધોલેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી

જેમાં હત્યાના બે આરોપીઓ ભરતભાઈ કાનાભાઈ વેગડ ઉ.વ.૩૦ રહે.હેબતપુર તા.ધોલેરા તથા રાજેશભાઈ પોપટભાઈ સોલંકી ઉ.વ.૨૨ રહે.રોહીકા તા.ધોળકાવાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને વધુ પુછપરછ કરતાં મૃતકે તાજેતરમાં ખેતીની જમીન રૃા.૫૫ લાખમાં વહેચી હતી અને મૃતકને જુગાર રમવાનો શોખ હોય પોતાની પાસે મોટી રકમ રાખતો હોવાની આરોપીઓને જાણ થતાં લુંટ કરવાના ઈરાદે પ્રિપ્લાન મુજબ મૃતકને કોલગર્લ બોલાવવામાં આવી હોવાની લાલચ આપી ખેતરમાં બોલાવી લોખંડના સળીયાના ઘા ઝીંકી હત્યા નીપજાવી લાશને બાઈક સાથે બાંધી બાવળની જાળીમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરી હતી.