54 વર્ષીય માઈક ટાઈસન 20 વર્ષ બાદ ફરીથી રિંગમાં ઉતરશે

October 30, 2020

વોશિંગ્ટન : માઈક ટાઈસનનું નામ દુનિયાભરનાં તમામ લોકોમાં જાણીતું છે. પોતાના જમાનામાં જબરદસ્ત બોક્સિંગ વડે તેણે દુનિયાના કરોડો લોકોનાં દિલ જીત્યા છે. અને આજે પણ દુનિયાભરના લોકો બોક્સર તરીકે તેને આગવું માન આપે છે. તેવામાં હવે તમારા માટે એક સારા સમાચાર એ છે કે, પોતાના જમાનાનો દિગ્ગજ બોક્સર માઈક ટાઈસન ફરી એકવાર રિંગમાં ફાઈટ કરતો જોવા મળશે. આ વખતે તેનો મુકાબલો રોય જોન્સ સાથે હશે. કેલિફોર્નિયાના એથ્લેટિક આયોગે આગામી મહિને થનાર આ મેચની મંજૂરી પણ આપી દીધી છે. આ એક પ્રદર્શની મેચ હશે. અને બંને પૂર્વ ચેમ્પિયન કહી રહ્યા છે કે, આ ફાઈટને હળવાશથી લેતા કેમ કે તેઓ આ ફાઈટને ગંભીરતથી લઈ રહ્યા છે. માઈક ટાઈસને ફાઈટને લઈને કહ્યું કે, શું આ અસલી મુકાબલો નથી? આ માઈક ટાઈસન vs રોય જોન્સનો મુકાબલો છે. હું મુકાબલા માટે આવી રહ્યો છું અને તે પણ મુકાબલા માટે આવી રહ્યો છે. અને તમારે બસ આટલું જ જાણવાની જરૂર છે.

54 વર્ષીય માઈક ટાઈસન અને 51 વર્ષીય રોય જોન્સ વચ્ચેનો આ મુકાબલો લોસ એન્જલસના સ્ટેપલ્સ સેન્ટરમાં 28 નવેમ્બરે યોજાશે. આ આઠ રાઉન્ડની મેચ હશે. અને પ્રત્યેક રાઉન્ડ બે મિનિટનો હશે. ઉલ્લેખનીય છે કે, માઈક ટાઈસને પોતાની અંતિમ ઓફિશિયલ મેચ જૂન 2005માં રમી હતી અને આ પૂર્વ હેવી વેઈટ ચેમ્પિયને 1996 પછી એક પણ ખિતાબ જીત્યો નથી. તો તેની સામે 51 વર્ષીય જોન્સે પોતાનો અંતિમ મુકાબલો ફેબ્રુઆરી 2018માં લડ્યો હતો.