સુરતમાં કરોડોનું ડ્રગ્સ અને 305 કિલો ગાંજો પકડાયો

September 30, 2022

સુરત :ગુજરાતમાં હવે ચોકલેટની જેમ ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. ગુજરાત હવે ડ્રગ્સનું હબ બની ગયું છે. ત્યારે વધુ એકવાર સુરતમાંથી ડ્રગ્સ પકડાયું છે. સુરત સારોલી પોલીસે કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. રાજસ્થાની યુવક પાસેથી પોણા બે કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. સારોલી વિસ્તારમાંથી 1.71 કિલો MD ડ્રગ્સ ઝડપાયું છે. આ ડ્રગ્સની કુલ કિંમત 1 કરોડ 65 લાખ થાય છે. 


એક રાજસ્થાની વ્યક્તિ મુંબઈથી MD ડ્રગ્સ લાવ્યો હતો. જેને સુરતમાં સપ્લાય કરવાનું હતું. માહિતીને આધારે સરોલી-પુણા પોલીસે કરોડોનું ડ્રગ્સ પકડ્યું છે. આરોપીએ પોલીસને ઉલ્લુ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેને ડ્રગ્સ આપ્યું છે તેનું નામ પણ મળ્યું છે. તપાસ ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવી છે. ઉલ્લેખનીય કે, હાલમાં જ શરૂ થયેલા સારોલી પોલીસ સ્ટેશનનો આ પહેલો કેસ છે.
ગુજરાત પોલીસ ડ્રગ્સ મામલે ખૂબ ગંભીર છે. સપ્ટેમ્બર 2020 થી ડ્રગ્સના વિરોધમાં ડ્રગ્સ નાબુદીનું કેમ્પઈન શરૂ કરાયું હતું.

પોલીસ દ્વારા અવારનવાર ડ્રગ્સ ઝડપી પાડવામાં આવે છે. ગુજરાતમાં નશાના રવાડે ચડેલા યુવાનોને નશાથી દૂર રાખવા માટે ગુજરાત પોલીસે નશાના કારોબાર કરતા લોકોને ઝડપી પાડવાની શરૂ કરી છે. ત્યારે સુરતમાં અન્ય એક વિસ્તારમાંથી ગાંજો પકડાયો છે. ગાંજા માટે બહુચર્ચિત ઉત્કલન નગરમાં કતારગામ પોલીસે રેડ પાડી હતી. જ્યાંના એક ઝૂંપડામાં ચોરખાનું બનાવીને રાખવામાં આવેલો 305 કિલો ગાંજા ઝડપાયું છે. આ જથ્થા કિંમત 30 લાખ રૂપિયા થાય છે. ગાંજાને કબજે કરી બે ઈસમોની ધરપકડ કરાઈ છે.