ઈઝરાયલમાં નેતન્યાહૂ વિરુદ્ધ લોકોનો આક્રોશ, યુદ્ધ રોકવા માટે રસ્તા પર ઉતર્યા લાખો લોકો

September 03, 2024

હમાસે અપહૃતો પૈકી છની હત્યા કર્યા પછી, ઇઝરાયલ ''કગાર'' ઉપર આવી ગયું છે. રવિવારે હજ્જારો દેખાવકારો તેલ અવીવના માર્ગો ઉપર એકત્રિત થયા હતા, અને અપહૃતોને મુક્ત કરવા માટે અત્યારે, અત્યારે અને અત્યારે જ (યુદ્ધ વિરામ)ના નારા લગાવી રહ્યાં હતાં તે સાથે વડા પ્રધાન નેતન્યાહૂને યુદ્ધ વિરામ કરી બાકી રહેલા અપહૃતોને છોડાવવા નારા લગાવી રહ્યા હતા. છેલ્લાં 11 મહિનામાં થયેલા દેખાવો પૈકી રવિવારે યોજાયેલા દેખાવો સૌથી વધુ વ્યાપક હતા. 11 મહિનાથી ચાલી રહેલાં યુદ્ધમાં અપહૃતોને મુક્ત કરવા માટે કેટલોક સમય યુદ્ધ વિરામ રાખવા આ દેખાવકારો પછીથી નેતન્યાહૂની ઓફિસને ઘેરી વળ્યા હતા સાથે તેઓએ તે ઓફીસ તરફ જવા તમામ માર્ગો ઉપર બેસી જઈ તે માર્ગો બંધ કરી દીધા હતા. આટલું જ નહીં પરંતુ દેખાવકારો તેલ અવીવનાં વિમાન ગૃહ ફરતા તો બેસી જ ગયા હતા, પરંતુ સાથે રન-વે પણ બંધ કરતા તેલ અવીવનું એરપોર્ટ - બેન ગુરીયન ઈન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરવું પડયું હતું. દેખાવકારો તેલ અવીવમાં જ હતા તેવું નથી ઇઝરાયલનાં અન્ય શહેરોમાં પણ ભારે દેખાવો યોજાયા હતા. તે સર્વે હમાસની યુદ્ધ વિરામની દરખાસ્ત સ્વીકારી અપહૃતોને મુક્ત કરાવવા ઇઝરાયલ સરકાર ઉપર દબાણ કરી રહ્યા હતા. પ્રાપ્ય માહિતી અનુસાર હમાસે જે જણાની હત્યા કરી હતી તેમાં એક 23 વર્ષના યહૂદી-અમેરિકન હેર્ષ ગોલ્ડબર્ગ પોલિન પણ હતો. આ સમાચારો જાણ થતાં અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસ ખરેખરાં ઘૂંઘવાયા હતાં અને હમાસને ખાત્મો કરવાની સીધી ધમકી ઉચ્ચારી હતી. વધુમાં જાણવા મળ્યું છે કે, જે છ જણાની હમાસે હત્યા કરી હતી તે છ એ છ ને નજીકથી જ ગોળી ધરબી દેવાઈ હતી. તેમ તેઓના મૃતદેહોના પોસ્ટમોર્ટમ અહેવાલોથી જાણવા મળ્યું છે. છ એ છના મૃતદેહો લઈ જવાયા ત્યાં સુધી યુદ્ધ બંધ રખાયું હતું. આમ છતાં અન્ય બંદીવાનોને મુક્ત કરવા માટે જે શરતો મૂકી છે તે આ પ્રમાણે છે. (૧) ઇઝરાયેલે તેનાં તમામ દળો ગાઝામાંથી અને વેસ્ટ બેજીનમાંથી પાછાં ખેંચી લેવાં જોઈએ. (એટલે કે સમગ્ર ગાઝા પટ્ટી અને વેસ્ટબેન્ક બંને સીધાં હમાસના કબજામાં આવે.) હમાસનો ઉચ્ચ નેતા ઇજ્જત-અલ્-રીશ્ક સહિત જે પેલેસ્ટાઇનીઓ ઇઝરાયલના કબજામાં છે. તેમને મુક્ત કરવા અને બાકીના હજી સુધી જીવતા રહેતા (હમાસના) બંદીવાનોને ઇઝરાયલ મુક્ત કરાવવા માંગતું હોય તો અમેરિકાએ રજૂ કરેલી યુદ્ધ વિરામ દરખાસ્તો જે હમાસને સ્વીકાર્ય છે તે ઇઝરાયલે પણ સ્વીકારી લેવી.