ગુજરાતનું મિની બજેટ:અમદાવાદ-સુરત-રાજકોટની જનતા પર દોઢો ટેક્સ ઝીંકાયો, અમદાવાદી અને રાજકોટીયન્સના માથે પર્યાવરણ માટે યુઝર ચાર્જ

January 31, 2023

આજે ગુજરાતનાં ત્રણ મહાનગરોનું કોર્પોરેશનનું બજેટ રજૂ કરાયું છે. ગુજરાતનું મિની બજેટ કહી શકાય તેમ રાજ્યનાં અમદાવાદ, રાજકોટ અને સુરતનું મનપાનું બજેટ આજે ત્રણેય શહેરના મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશનના ચૂંટાયેલા સત્તાધીશો સમક્ષ રજૂ કર્યું હતું. જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસને રૂ. 8400 કરોડ, સુરતમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રૂ. 7707 કરોડ અને રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ રૂ. 2586.82 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. અમદાવાદની 72 લાખ, સુરતમાં 66.37 લાખ અને રાજકોટમાં 17.73 લાખ વસ્તી છે. ત્યારે આ ત્રણેય શહેરની દોઢ કરોડ વસ્તીને આવરી લેતું બજેટ રાજ્યના મિની બજેટના રૂપમાં રજૂ થયું છે.

અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સ બમણો કરાયો છે. તો સૌ પ્રથમવાર એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ તરીકે યુઝર ચાર્જ લેવા નક્કી કરાયું છે. ડોર ટુ ડોર સ્વચ્છતા તરીકે યુઝર ચાર્જ પણ વધારીને ડબલ કરી દેવાયો છે. કુલ મળીને અમદાવાદીઓ પર 475 કરોડનો બોજ પડશે. તો સુરતી પર 307 કરોડનો વધારાનો વેરો ઝીંકાયો છે. રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર માત્ર રૂ. 4નો વધારો, બિન રહેણાક મિલકતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચોરસ મીટર રૂ. 10નો વધારો કરાયો છે. વાત કરીએ રાજકોટની તો રાજકોટીયન્સ પર મિલકત વેરા અને પાણી વેરામાં તોતિંગ વધારો ઝીંકાયો છે. રહેણાક મકાનોમાં પાણી વેરો 840 રૂપિયાથી વધારીને 2400 રૂપિયા કરાયો છે તો કોમર્શિયલનો 1680થી વધારીને રૂપિયા 4800 કરાયો છે. આમ મોંઘવારીનો માર ઝીલતાં ત્રણેય શહેરના લોકો પર ટેક્સનું ભારણ વધારાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના વર્ષ 2023- 24નું રૂ. 8400 કરોડનું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસને રજૂ કર્યું છે. ગત વર્ષના મ્યુનિસિપલ કમિશનરના 8111 કરોડના બજેટ કરતાં રૂ. 289 કરોડની રકમનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનરે આજે ચૂંટાયેલી પાંખ ભાજપના શાસકો સમક્ષ રજૂ કર્યું હતું. AMCના વધતાં જતા વહીવટી ખર્ચા અને રાજ્ય સરકારની મળતી ઓક્ટ્રોયની ગ્રાન્ટની ઓછી રકમને લઈ ટેક્સમાં વધારો કર્યો છે. પ્રોપર્ટી ટેક્સમાં વધારાના કારણે 350 કરોડ રૂપિયાની આવક થશે. એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જીસના કારણે 45 કરોડની આવક થશે, ત્યારે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ચાર્જમાં વધારાના કારણે 80 કરોડની આવક થશે. આમ અંદાજે 475 કરોડથી વધુની આવકનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વધારો થશે.