ફર્ટિલાઇઝર પર સબ્સિડી અને 100 સૈનિક સ્કૂલોને મોદી કેબિનેટની મંજૂરી

October 12, 2021

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી આવાસ પર થયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મંત્રીમંડળે ફર્ટિલાઇઝર પર સબ્સિડી આપવાના નિર્ણય પર મહોર લગાવી છે. આ બેઠકમાં કેબિનેટે સૈનિક સ્કૂલ સોસાયટી અંતર્ગત 100 ખાનગી અને સરકારી સૈનિક સ્કૂલોને માન્યતા આપવાને પણ મંજૂરી આપી છે. આ સિવાય કેબિનેટ તરફથી અટલ નવીકરણ અને શહેરી પરિવર્તન મિશન 2. 0 (Atal Mission for Rejuvenation and Urban Transformation- AMRUT 2.0) ને પણ મંજૂરી મળી ગઈ છે. 
કેન્દ્રીય મંત્રીમંડળે આજે ફોસ્ફેટ, પોટાશ ખાતરો (ફર્ટિલાઇઝર) માટે 28655 કરોડ રૂપિયાની વધારાની સબ્સિડીને મંજૂરી આપી છે. આ સબ્સિડી 1 ઓક્ટોબર 2021થી 31 માર્ચ 2022 સુધી લાગૂ રહેશે. 
આ મહિને 6 ઓક્ટોબરના રોજ યોજાયેલી કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કેબિનેટે નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પગાર જેટલું ઉત્પાદકતા આધારિત બોનસ મંજૂર કર્યું હતું. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે આનાથી લગભગ 11.56 લાખ નોન-ગેઝેટેડ રેલવે કર્મચારીઓને ફાયદો થશે.
તેમણે કહ્યું હતું કે કેબિનેટની બેઠકમાં બે વિભાગો અંગે નિર્ણયો લેવામાં આવ્યા હતા. વર્ષોથી, ઉત્પાદકતા લિંક બોનસ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને ઉપલબ્ધ છે. કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વર્ષે પણ રેલવેના નોન-ગેઝેટેડ કર્મચારીઓને 78 દિવસનું બોનસ આપવામાં આવશે.