મોદી કેબિનેટે બે વટહુકમોને આપી મંજૂરી, ખેડૂતો માટે 'એક દેશ એક બજાર'ની નીતિ

June 03, 2020

નવી દિલ્હી : કોરોના વાયરસના સંકટ વચ્ચે આજે ફરી એક વખત કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી. બુધવારે બપોરે 11 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં અનેક વરિષ્ઠ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બે વટહુકમોને મંજૂરી આપવામાં આવી છે. 

તેમાં આવશ્યક વસ્તુ અધિનિયમ, APAC અધિનિયમમાં સંશોધનને મંજૂરી આપવામાં આવી છે. હવેથી ખેડૂતો સીધો પોતાનો પાક વેચી શકશે અને દેશમાં ખેડૂતો માટે એક દેશ એક બજાર હશે. આ બેઠકમાં ખેત ઉત્પાદનોના સંગ્રહની અવધિ સમાપ્ત કરવામાં આવી છે અને ખૂબ જ આવશ્યક પરિસ્થિતિઓમાં જ તેમ કરી શકાશે. 

ઉલ્લેખનીય છેકે 20 લાખ કરોડના પેકેજમાં આની જાહેરાત કરવામાં આવી હતી. તાજેતરમાં જ મોદી સરકારના બીજા કાર્યકાળને એક વર્ષ પૂર્ણ થયું છે. આ સંજોગોમાં સોમવારે જ કેન્દ્રીય કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં MSME સેક્ટર અને ખેડૂતોને લઈ કેટલાક મોટા નિર્ણયો લેવાયા હતા. એક તરફ દેશમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે અને સાથે જ અનલોક 1 અંતર્ગત કેટલીક છૂટછાટ પણ અપાઈ રહી છે ત્યારે કેન્દ્રીય કેબિનેટની આ બેઠક પર સૌ કોઈની નજર અટકેલી હતી.

સોમવારે યોજાયેલી બેઠકમાં કેન્દ્ર સરકારે MSME સેક્ટરની પરિભાષા બદલી હતી ત્યારે હવે દેશનો ખેડૂત કોઈ પણ માર્કેટ અને કોઈ પણ રાજ્યમાં પોતાનો પાક વેચી શકશે તેવો નિર્ણય લેવાયો છે.