મોદીએ UPના 6.1 લાખ લોકો માટે રૂ. 2,691 કરોડ સહાયની જાહેરાત કરી

January 20, 2021

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આવાસ યોજના-ગ્રામીણ અંતર્ગત ઉત્તરપ્રદેશના 6.1 લાખ લોકોને 2,691 કરોડ રૂપિયા સહાયની રકમ રીલીઝ કરી હતી. તેમાં 5.30 લાખ લોકોને પ્રથમ હપ્તો, જ્યારે 80 હજાર લોકોને બીજા હપ્તાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા કેટલાક લોકો સાથે વાત કરી રહ્યા છે.

વડાપ્રધાને કહ્યું હતું કે થોડા સમય પહેલા સૂર્ય ઉત્તરાયણ બન્યો છે. આ સમય શુભેચ્છાઓ માટેનો સર્વોત્તમ હોય છે. આવી સ્થિતિમાં ઘર માટેના રૂપિયા મળે તો તેથી વધુ સારું શું છે. થોડા દિવસો પહેલા કોરોના માટે વેક્સિનેશનની શરૂઆત પણ થઈ ગઈ છે. દેશમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થઈ છે. તમારા જીવનમાં નવી ખુશીઓ આવે, હું દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.

પ્રધાનમંત્રી આવાસ યોજનાએ ગરીબોમાં ગરીબ લોકોને વિશ્વાસ આપ્યો છે કે જો આજે નહીં તો આવતીકાલે પણ મારું ઘર બની શકે છે. યુપી દેશના તે રાજ્યોમાં સામેલ છે, જ્યાં ગામોમાં સૌથી ઝડપી મકાનો બનાવવામાં આવી રહ્યા છે. આજે 2700 કરોડ રૂપિયા એક સાથે 6 લાખ પરિવારોના ખાતામાં ટ્રાન્સફર થયા છે. આજનો દિવસ તમારા બધા માટે મોટો અને શુભ દિવસ છે. હું તે અનુભવી શકું છું. આ દ્વારા ગરીબો માટે વધુ કામ કરવાની પ્રેરણા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) કેન્દ્ર સરકારની મુખ્ય યોજના છે. 20 નવેમ્બર 2016ના રોજ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશમાં અત્યાર સુધી 1.26 કરોડ મકાનો બનાવવામાં આવ્યા છે. સરકારનું 2022 સુધીમાં દેશમાં દરેક પાસે પોતાનું ઘર હોવાનું લક્ષ્ય છે.

PMAY-G ના ક્ષેત્રમાં આવતા મેદાનીય વિસ્તારોના લોકો માટે મકાનો બનાવવા માટે રૂ. 1.20 લાખ, જ્યારે પર્વતીય વિસ્તારો, ઉત્તર-પૂર્વ રાજ્યો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા વિસ્તારોના લોકોને 1.30 લાખ રૂપિયા સહાય આપવામાં આવે છે. તેમજ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના દ્વારા રોજગાર અને સ્વચ્છ ભારત મિશન- ગ્રામીણ અંતર્ગત શૌચાલયો બનાવવા માટે 12 હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે.