મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયામાંથી બહાર

December 03, 2022

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયો છે. તે હવે બાંગ્લાદેશ સામેની વનડે શ્રેણીમાં રમી શકશે નહીં. બાંગ્લાદેશમાં રવિવારે ત્રણ મેચની વન-ડે શ્રેણીની પ્રથમ મેચ રમાવાની છે. ઈજાના કારણે શમી ફિટ નથી. ગયા મહિને ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપમાંથી પરત ફર્યા બાદ પ્રેક્ટિસ સેશન દરમિયાન શમી ઈજાગ્રસ્ત થયો હતો.

વન-ડે બાદ ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણી પણ રમવાની છે. શમી પણ ટેસ્ટ ટીમનો ભાગ હતો. આ ઈજા બાદ તે ટેસ્ટ રમી શકશે કે કેમ તે હાલ સ્પષ્ટ નથી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે તેને આખી સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.

મોહમ્મદ શમીની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી ગઈ છે. ભારતનો મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઈજાના કારણે પહેલાથી જ શ્રેણીમાંથી બહાર છે. ઈજાના કારણે તે T20 વર્લ્ડ કપમાં પણ ટીમનો ભાગ નહોતો. આ સાથે જ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પણ ઈજાના કારણે વન-ડે શ્રેણીમાંથી બહાર છે.