આવશ્યક સેવાઓના વધુ વિદેશી કામદારોને કેનેડામાં પ્રવેશ મળશે

April 27, 2021

  • પ્રતિબંધોને કારણે કેનેડા યુએસ બોર્ડર પરથી માલસામાનની હેરફેર ઘણી ઘટી ગઈ
ટોરોન્ટો : કેનેડાની ફેડરલ સરકાર હવે વધુ વ્યવસાયોને આવશ્યક સેવાઓમાં સમાવવા માંગે છે. જેથી વધુ કામદારો કેનેડા-અમેરિકા સરહદને કોવિડ -૧૯ના પ્રતિબંધો છતાં પાર કરી શકે એમ કેનેડાના વિદેશી બાબતોના મંત્રી માર્ક ગ્રેનેઉએ જણાવ્યું હતું. તેમણે પાર્લામેન્ટરી કમિટીને કહ્યુંું હતું કે, અમે એવા જુથોની વાત કરીએ છીએ જેમને આવશ્યક સેવાઓના દાયરામાં લાવી શકાય. જેમ કે, ઓટો ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ટેકનીશીયનોને આવશ્યક સેવાના કામદાર ગણી શકાય. તેમણે કહ્યુંું હતું કે, પ્રતિબંધોને કારણે કેનેડા યુએસ બોર્ડર પરથી માલસામાનની હેરફેર ઘણી ઘટી ગઈ છે. અમે હવે બદલાતા માહોલમાં અર્થતંત્રને ઝડપથી પાટા પર લાવવા માંગીએ છીએ. લાખો ડોલરનો સામાન હજુ કેનેડા અને યુએસમાં દરરોજ આવે છે. કેનેડાના યુએસ સાથેના એક્ષપોર્ટમાં ત્રણ ચતુર્થાંશ હિસ્સો છે. જયારથી માત્ર આવશ્યક માલસામાન જ આવે છે ત્યારથી એ લગભગ આઠ ટકા જેટલો થઈ ગયો છે. જો બિનજરૂરી સામાન ઉપર પ્રતિબંધ લાવવાથી ૯ર ટકાનો ઘટાડો આવી જતો હોય તો આવશ્યક સેવાઓ અને સામાનની વ્યાખ્યામાં સુધારો જરૂરી છે. પહેલી એપ્રિલથી શરૂ થતા અઠવાડિયામાં ૧૦૩૦૦૦ ટ્રક ડ્રાઈવરોએ કેનેડા યુએસ બોર્ડર પાર કરી હતી. જે ર૦૧૯ની એપ્રિલના પહેલા અઠવાડિયમાં એ આંક ૧૧ર૦૦૦ જેટલો હતો. જો કે, અત્યારે એ સ્પષ્ટ નથી કે, બોર્ડર ફરીથી ખુલ્લી મુકાશે કે નહીં. ગ્રેનેઉએ કહ્યુંું હતું કે, બોર્ડર ફરીથી ખુલ્લી મુકતા પહેલા કેનેડીયનોના આરોગ્ય અને સલામતીનો વિચાર મહત્વનો બની રહેશે. આમ છતાં જો કેનેડાના અર્થતંત્રને બેઠું કરવું હોય તો એ જરૂરી પણ છે. માર્ચ ર૦ર૦થી અમેરિકા અને કેનેડાએ બિનજરૂરી પ્રવાસ પર પ્રતિબંધ મુકયો હતો અને દર મહિને સમીક્ષા બાદ એ મુદત લંબાતી રહી છે. ર૦ર૧ના એપ્રિલ સુધી પ્રતિબંધ રહ્યો છે. માત્ર આવશ્યક સેવાઓના કામદારોને જ પ્રવેશ મળે છે, જેમાં કેનેડીયન સીટીઝન્સ, પરમેનન્ટ રેસીડેન્ટસ અને કેનેડીયન સીટીઝન્સ અને પરમેનન્ટ રેસીડેન્ટસના પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. વિદેશી કામચલાઉ કામદારો અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જે કોવિડ-૧૯ના ધારાધોરણો મુજબ ચાલતી હોય એવી શાળાઓમાં ભણતા હોય તેમને કેનેડામાં પ્રવેશ મળે છે. જોકે તેમણે પણ પ્રવેશ પહેલા કોવિડનો પીસીઆર ટેસ્ટનું પ્રમાણપત્ર આપવું પડશે. સાથે જ આગમન સમયે ફરીથી ટેસ્ટ કરાવવાનો રહે છે અને પરિણામ આવે ત્યાં સુધી કમસેકમ ત્રણ દિવસ સરકાર માન્ય હોટેલમાં રોકાવુ પડે છે અને ૧૪ દિવસના કવોરન્ટાઈનનું પાલન કરવું પડશે.