ગુજરાતમાં૧૦ લાખથી વધુ મહિલાઓને શૂન્ય દરે એક લાખ સુધીની લોન મળશે

September 14, 2020

ગાંધીનગર: રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના શરૂ કરીને ૧૦ લાખથી વધુ મહિલાઓને વગર વ્યાજે લોન ધિરાણ અપાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ ૧૭ સપ્ટેમ્બરમીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી મહિલા ઉત્કર્ષ યોજનાની જાહેરાત કરશે. કોરોના પછીની બદલાયેલી આર્થિક-સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કુલ ૧૦૦૦ કરોડ સુધીનું ધિરાણ મહિલા જૂથોને આપવાની યોજના તૈયાર કરવામાં આવી છે, જેમાં બેંક લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે અને લોન માટે જરૂરી સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ માફી આપવામાં આવશે.

મહિલા જૂથદીઠ રૂ. એક લાખનું લોન-ધિરાણ સરકારી, સહકારી, ખાનગી બેંકો, આરબીઆઈ માન્ય ધિરાણ સંસ્થાઓમાંથી મળશે. રાજ્ય સરકાર બેન્કો સાથે ટૂંક સમયમાં આ યોજનામાં જોડાવા અંગેના એમ.ઓ.યુ. કરશે. ૧૦ મહિલાઓ-બહેનોના એક જૂથ એમ ૧ લાખ જૂથ બનાવાશે. પ્રત્યેક જૂથને એક લાખનું લોન-ધિરાણ તેમ જ પ્રત્યેક માતા-બહેનોને પોતાનો નાનો-મોટો વ્યવસાય, ગૃહ ઉદ્યોગ, વેપાર શરૂ કરવા વગર વ્યાજે લોન ધિરાણ મળી રહેશે.