આસામમાં પૂર પ્રકોપથી ૨૧ જિલ્લાનાં ૪.૬૨ લાખથી વધુ લોકો પ્રભાવિત

June 28, 2020

ગુવાહાટી : આસામમાં બ્રહ્મપુત્રા અને તેની પેટાશાખાઓમાં આવેલા ઘોડાપૂરે ભારે વિનાશ વેર્યો હતો. રાજ્યનાં ૨૧ જિલ્લામાં ૪.૬૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. અરુણાચલ પ્રદેશ અને બિહારમાં પણ ભારે વરસાદ પડયો હતો. રાજ્યમાં વિનાશક પૂર અને ભારે વરસાદને કારણે ૧૮થી વધુનાં મોત થયા હતા. જોરહટ, ધૂબરી અને સોનિતપુરમાં બ્રહ્મપુત્રાનાં પાણી ભયનજક સપાટીથી ઉપર વહી રહ્યા હતા. તેલંગણા, કેરળ, આંધ્રપ્રદેશ તેમજ અરુણાચલ પ્રદેશ સહિત ઉત્તરનાં કેટલાક રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ પડયો હતો.

બિહારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે આગામી ૪૮ કલાકમાં ભારે વરસાદને પગલે ૧૭ જિલ્લાને એલર્ટ કરવામાં આવ્યા છે. ગંગા, ગંડક, બાગમતી  સહિત કેટલીક નદીઓની સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નેપાળમાં ભારે વરસાદને પગલે બિહારમાં નદીઓનું પાણી વધી રહ્યું છે.

ચોમાસું આગળ વધતા અને કેટલાક રાજ્યોમાં ધારણા કરતા વધુ વરસાદ પડવાથી દેશનાં કેટલાક જળાશયો છલકાઈ જવાની અણીએ છે. આ વર્ષે કેટલાક સરોવરોની જળસંગ્રહ ક્ષમતા પણ ૨૦૧૯ કરતા વધી છે. સેન્ટ્રલ વોટર કમિશનની દેખરેખ હેઠળનાં ૧૨૩ જળાશયોમાં પાણીનો સંગ્રહ ૫૬.૭૨૫ બિલિયન ક્યુબિક મીટર છે. જે કુલ સંગ્રહક્ષમતાનાં ૩૩ ટકા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓડિશાનાં જળાશયોમાં વધુ પાણી સંગ્રહાયેલું છે.