મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, રાજસ્થાને 16.25 કરોડમાં ખરીદ્યો; અર્જુન તેંડુલકરને મુંબઈ ઇન્ડિયન્સે 20 લાખમાં ખરીદ્યો

February 18, 2021

અમદાવાદ :ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. ક્રિસ મોરિસ IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ 2015માં યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો. ચેન્નાઈ સુપરકિંગ્સે 50 લાખમાં ચેતેશ્વર પૂજારાને ખરીદ્યો છે. મુંબઈ ઇન્ડિયન્સે સચિન તેંડુલકરના પુત્ર અર્જુનને તેની બેસ પ્રાઇસ 20 લાખમાં ખરીદ્યો છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર કાઈલ જેમિસનને 15 કરોડમાં ખરીદ્યો છે.

પંજાબની ટીમે તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનને પોતાની ટીમમાં લીધો છે. 20 લાખની બેસ પ્રાઇસ ધરાવતાં શાહરુખને પ્રીતિ ઝિન્ટાની ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો છે. શાહરુખે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલીમાં સારો દેખાવ કર્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરતાં 220ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.

કર્ણાટકનો કે. ગૌથમ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો કેપ્ડ પ્લેયર બન્યો છે. તેને 9.75 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. અગાઉ સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ કૃણાલ પંડ્યાના નામે હતો. તેને 2018માં મુંબઈ ઇન્ડિયન્સે 8.80 કરોડમાં ખરીદ્યો હતો.

પંજાબે માત્ર 9 T-20 ઇન્ટરનેશનલનો અનુભવ ધરાવતાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જાઈ રિચાર્ડસનને 14 કરોડમાં ખરીદ્યો છે. રિચાર્ડસને ઇન્ટરનેશનલ T-20માં માત્ર 9 વિકેટ લીધી છે. જોકે, તે આ વખતે ઓસ્ટ્રેલિયન T-20 લીગમાં હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. તેણે 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી.