કેબિનેટે ત્રણેય કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી

November 24, 2021

નવી દિલ્હી : કેન્દ્રીય કેબિનેટે ત્રણેય કૃષિ કાયદાને રદ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ દિવસ પહેલા (19 નવેમ્બરે) ત્રણેય કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી.

હવે કેબિનેટમાં મંજૂરી મળ્યા બાદ કાયદા રદ કરવાનાપ્રસ્તાવને સંસદના શિયાળુસત્રમાં બંને ગૃહમાં પસાર કરાવવામાં આવશે. ત્યારબાદ ખેડૂત આંદોલનનું કારણ બનેલા ત્રણેય કૃષિ કાયદા નાબૂદ થશે.

વડાપ્રધાન મોદીએ શુક્રવારે દેશને સંબોધન કરતાં ત્રણેય કૃષિ કાયદા પરત લેવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સરકાર આ કાયદા ખેડૂતોના હિતમાં સારા ઉદ્દેશ્ય સાથે લાવી હતી, પરંતુ અમે કેટલાક ખેડૂતોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા. વડાપ્રધાને કહ્યું હતું કે આગાની સંસદના સત્રમાં કાયદાને પરત લેવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

જ્યારે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ સંસદ સત્ર શરૂ થયા બાદ ઓછામાં ઓછા ત્રણ દિવસમાં આ પ્રક્રિયા પૂર્ણ થઈ શકે છે. સંસદનું સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે.