માતા-પુત્રી મર્ડર કેસ:'હત્યા કર્યા બાદ હું પત્ની-દીકરીના મૃતદેહ પાસે 1 કલાક સુધી બેસી રહ્યો

October 14, 2021

વડોદરા : વડોદરા શહેરના સમા વિસ્તારના ચંદન પાર્કમાં માતા અને પુત્રીનાં રહસ્યમય મોતમાં હત્યા થયાનો ઘટસ્ફોટ થયો હતો. પતિએ ગૃહકલેશ, પ્રેમપ્રકરણ સહિતનાં કારણોથી કંટાળીને પત્ની અને પુત્રીને આઇસક્રીમમાં ઝેર આપ્યા બાદ બંનેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા હોવાનું ખૂલ્યું હતું. પત્ની અને પુત્રીને ઝેર મિશ્રિત આઇસક્રીમ ખવડાવી મોતને ઘાટ ઉતારનાર હત્યારા પતિ તેજસ પટેલે પોલીસને જણાવ્યું હતું કે મોડી રાત્રે આઇસક્રીમ ખાધા બાદ પત્ની શોભનાએ હલનચલન કરતાં અને ડૂસકાં ભરતાં તેણે પત્નીની છાતી પર બેસી જઇ તેનું ગળું દબાવ્યું હતું. તદુપરાંત પુત્રીના મોઢા પર તકિયું લગાવી તે પણ જીવતી ન રહે એના માટેના પ્રયાસો કર્યા હતા. આ ઘટના બાદ પણ બંને જીવિત ન રહે એ માટે સતત એક કલાક સુધી પત્ની અને પુત્રીના મૃતદેહનું તેજસે સતત ઓબ્ઝર્વેશન કર્યું હતું.