પાકિસ્તાની સેનાને મોટો ઝટકો ! તુર્કી સાથેની ફાઈટર જેટની યોજના થઈ નષ્ટ

January 10, 2022

ફાઈટર હેલિકોપ્ટર ખરીદવાનું સપનું જોઈ રહેલી પાકિસ્તાની સેનાને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાને તુર્કી પાસેથી 30 T-129 હેલિકોપ્ટર ખરીદવાની યોજના છોડી દીધી છે ભારતની અપાચેને તોડવા માટે પાકિસ્તાની સેના હવે ચીન પાસેથી હેલિકોપ્ટર ખરીદવા જઈ રહી છે.
ભારતના અપાચે હેલિકોપ્ટરના જવાબમાં 30 કોમ્બેટ હેલિકોપ્ટર ખરીદવાનું સપનું જોઈ રહેલી પાકિસ્તાન સેનાને મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના એન્જિન પ્રતિબંધ બાદ પાકિસ્તાને તુર્કી પાસેથી 30 અત્યાધુનિક T-129 ‘ATAK હેલિકોપ્ટર ખરીદવાની યોજના છોડી દીધી છે. આ 1.5 બિલિયન ડોલરના હેલિકોપ્ટર ડીલ પર બંને દેશો વચ્ચે વર્ષ 2018માં સહમતિ થઈ હતી. પાકિસ્તાન આર્મી હવે ભારતની અપાચેને તોડવા માટે ચીન પાસેથી Z-10ME એટેક હેલિકોપ્ટર ખરીદવા માટે વાતચીત કરી રહી છે.
બુધવારે પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ બાબર ઈફ્તિખારે હેલિકોપ્ટરને લઈને ચીન સાથે ચાલી રહેલી વાતચીતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે જ્યાં સુધી તુર્કી સાથેની ડીલનો સવાલ છે અમે હવે તેનાથી આગળ વધી ગયા છીએ. તેમણે કહ્યું કે પાકિસ્તાન હવે ફાઈટર હેલિકોપ્ટર માટે ચીન સાથે વાતચીત કરી રહ્યું છે. અમને કેટલાક હેલિકોપ્ટર મળવાની આશા છે. T-129 એ ઇટાલિયન-ડિઝાઇન કરેલ A-129 હેલિકોપ્ટરનું અપગ્રેડેડ વર્ઝન છે. ટ્વીન-એન્જિન અને ઓલ-વેધર એટેક હેલિકોપ્ટર T-129 ગનથી સજ્જ છે અને તે રોકેટ અને મિસાઈલ ફાયર કરવામાં સક્ષમ છે.
અમેરિકાએ પાકિસ્તાનને હેલિકોપ્ટર આપવાનું બંધ કરી દીધું છે પાકિસ્તાન સાથેની આ ડીલ રદ્દ થવાને કારણે તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગનને પણ મોટો ઝટકો લાગ્યો છે. આ તુર્કી હેલિકોપ્ટર માટે આ પ્રથમ વિદેશી ડીલ હતી જે હવે રદ કરવામાં આવી છે. હકીકતમાં પાકિસ્તાનને મોટો ઝટકો આપતા અમેરિકાએ તુર્કીમાં બનેલા 30 ફાઈટર હેલિકોપ્ટરની સપ્લાય બંધ કરી દીધી હતી. ATAK T-129 ફાઈટર હેલિકોપ્ટરમાં અમેરિકન કંપનીના એન્જિન લાગેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને પાકિસ્તાનને આ હેલિકોપ્ટર આપવાનું બંધ કરી દીધું હતું.