ભણેલી ગણેલી યુવતીને ઓસ્ટ્રેલિયાના આધેડે ફસાવી, યુવાન હોવાનું કહેનાર યુવતીથી 12 વર્ષ મોટો અને એક દીકરીનો બાપ નીકળ્યો

April 07, 2021

અમદાવાદ : અમદાવાદની યુવતી શહેરમાં વકીલાત કરે છે તેને સોશિયલ મીડિયા સાઈટ પર એક રિક્વેસ્ટ આવી અને યુવાને પોતે ઓસ્ટ્રેલિયાનો હોવાની વાત કહી. પરંતુ યુવતીને રિક્વેસ્ટ મોકલારના યુવાન નહીં પણ તેનાથી 12 વર્ષ મોટો એક યુવતીનો પિતા નીકળ્યો હતો. યુવતીને આ વાતની જાણ થતાં તેણે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. જેથી આધેડે યુવતીના ફોટો અને નંબર વાયરલ કરીને તે ચારિત્ર્ય હીન હોવાની વાત ફેલાવી હતી. હાલ આ સમગ્ર મામલે કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શહેરના કોટ વિસ્તારમાં રહેતી 29 વર્ષીય યુવતી વકીલાતની પ્રેક્ટિસ કરે છે. થોડા સમય પહેલા આ યુવતીને સોશિયલ સાઈટ ફેસબુક દ્વારા આમેજ લોખંડવાલા નામના વ્યક્તિનો પરિચય થયો હતો. જેથી આ યુવતી અને આમેજ બંને અવારનવાર વાતચીત કરતા હતા અને ધીરે ધીરે બંને વચ્ચે મિત્રતા થઈ હતી. યુવતી આ વ્યક્તિથી અપરિચિત હોવાથી આમેજે મહિલાને પોતે એન.આર.આઈ હોવાનું જણાવી પોતે અપરણિત છે તેમ કહ્યું હતું અને તેની ઉંમર 34 વર્ષની જણાવી હતી. યુવતીને પણ પોતાનું ભવિષ્ય સેટલમેન્ટ કરવાનો વિચાર આવતા આ વ્યક્તિ સાથે તેણે ગાઢ મિત્રતા કેળવી હતી. બાદમાં આ વ્યક્તિએ તેના જન્મનું પ્રમાણપત્રની એક નકલ આ યુવતીને વોટ્સએપ પર મોકલી હતી. જેમાં તેની ઉંમર 34 વર્ષની હોવાનું જણાવ્યું હતું. જેથી મહિલાએ પણ લગ્ન માટે તૈયારી બતાવી હતી.