મુકેશ અંબાણી દર મિનિટે લગભગ 23 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે

September 21, 2020

નવી દિલ્હી  : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુંકેશ અંબાણી દુનિયાના 5માં સૌથી ધનવાન વ્યક્તિ છે. મુકેશ અંબાણી અંગે એવું કહેવામાં આવે છે કે જેટલી વારમાં એક વ્યક્તિ ચાનો કપ ખતમ કરે છે એટલી વારમાં મુકેશ અંબાણીની મિલકતમાં લાખો રૂપિયાનો વધારો થાય છે.

આપને જણાવી દઈએ કે મુકેશ અંબાણી ભારત સહિત આખા એશિયામાં સૌથી ધનિક શખ્સ છે. છેલ્લા 10 વર્ષોમાં તેમની સંપત્તિમાં લગભગ 3 ગણો વધારો થયો છે. વર્ષ 2010માં તેમની અંદાજિત મિલકત 27 બિલિયન ડોલર નજીક હતી. જ્યારે વર્ષ 2020માં આ વધીને લગભગ 80 બિલિયન ડોલર નજીક પહોંચી છે. મુકેશ અંબાણીનો પરિવાર મુંબઈમાં 27 માળના ઘર એન્ટીલિયામાં રહે છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ઘરને બનવા લગભગ 7 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયો હતો. આ ઘર દુનિયાના સૌથી મોંઘા અને શાનદાર ઘરોમાં શામેલ છે.

રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી ભારતના બીજા સૌથી ધનવાન વ્યક્તિ રાધા કિશન દમાણી કરતા પણ 4 ગણા વધુ ધનિક છે. રાધા કિશન દમાણીની મિલકત અંદાજે 17.8 બિલિયન ડોલર બતાવવામાં આવે છે. એક ખાનગી મીડિયાના રિપોર્ટ મુજબ મુકેશ અંબાણી દર મિનિટે લગભગ 23 લાખ રૂપિયાથી વધુની કમાણી કરે છે. વર્ષ 2019માં મુકેશ અંબાણીની મિલકતમાં દૈનિક 33 કરોડ રૂપિયાથી વધુનો વધારો થયો હતો. જ્યારે વર્લ્ડ કપના ડેટા પ્રમાણે અફઘાનિસ્તાન, બોત્સવાના અને બોસ્નિયા જેવા દેશોની કુલ GDPને ભેગી કરવામાં આવે તો પણ મુકેશ અંબાણીની મિલકતથી ઓછી થશે.