છત્તીસગઢમાં માતાએ 5 દીકરી સાથે ટ્રેન નીચે પડતું મૂક્યું

June 11, 2021

મહાસમુંદ : છત્તીસગઢના મહાસમુંદમાં એક મહિલાએ પોતાની 5 દીકરી સાથે બુધવારે મોડી રાત્રે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. તમામના મૃતદેહો ગુરુવારે સવારે રેલવેટ્રેક પર 50 મીટર દૂર દૂર સુધી વિખરાયેલા જોવા મળ્યા હતા. મૃત્યુ પામનારા તમામની ઉંમર 10થી 18 વર્ષ વચ્ચેની છે. મળતી માહિતી મુજબ, દારૂડિયા પતિ સાથેના વિવાદને કારણે મહિલાએ આ પ્રકારનું પગલું ભર્યું હતું. સૂચના મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

જાણકારી મુજબ, જિલ્લાના ઈમલીભાંઠા નહેર પુલિયાની પાસે ગુરુવારે સવારે લોકોને રેલવેટ્રેક પર મૃતદેહ જોયા તો કોતવાલી પોલીસ સ્ટેશનને સૂચના આપી હતી. એ બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. રેલવેને પણ આ બનાવ અંગે જાણકારી આપવામાં આવી અને ટ્રેનની અવરજવરને રોકવામાં આવી.

બેમચામાં રહેતી મહિલા ઉમા સાહુ (45 વર્ષ)ના પતિ કેઝરામને દારૂ પીવાની લત હતી. તે બુધવારે સાંજે પણ શરાબ પીને ઘરે પહોંચ્યો તો પતિ-પત્ની વચ્ચે વિવાદ શરૂ થઈ ગયો. વાત એટલી વધી ગઈ કે ઉમા સાંજે લગભગ 7.30 વાગ્યાની આસપાસ પોતાની પાંચેય દીકરી અન્નપૂર્ણા સાહુ (18 વર્ષ), યશોદા સાહુ (16 વર્ષ), ભૂમિકા (14 વર્ષ), કુમકુમ (12 વર્ષ) અને તુલસી (10 વર્ષ)ને લઈને ઘરમાંથી નીકળી ગઈ. એ બાદ તેમની કોઈ ભાળ જ નથી. મળતી માહિતી મુજબ રાત્રે લગભગ 9થી 9.30 વચ્ચે લિંક એક્સપ્રેસની સામે તમામે એકસાથે કૂદીને જીવ આપી દીધા હતા.