મુંબઇ અને પરા જળબંબાકાર, મીઠી નદી ઓવરફ્લો

June 10, 2021

મુંબઇ: ૩ જૂને કેરળથી શરૂ થયેલું નૈઋત્યના ચોમાસાએ બુધવારે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલાં ધોધમાર એન્ટ્રી કરી હતી. સામાન્ય રીતે નૈઋત્યનું ચોમાસું દર વર્ષે ૧૦મી જૂને મુંબઇમાં દસ્તક દેતું હોય છે. બુધવારે સાંજના ૬ કલાક સુધીમાં સાન્તાક્રુઝમાં ૧૬૪.૮ મીમી (૬.૫ ઇંચ)અને કોલાબામાં ૭૭.૪ મીમી વરસાદ નોંધાયો હતો. બુધવારે સવારના ૮.૩૦થી ૧૧.૩૦ વચ્ચે સાન્તાક્રુઝ ઓબ્ઝર્વેટરી ખાતે ૧૦૨.૮ મીમી (૪.૦૪) ઇંચ વરસાદ ખાબકતાં મુંબઇ શહેરમાં સાયન, માટુંગા, એન્ટોપ હિલ, વડા લા, ચેમ્બુર, ઘાટકોપર, કુર્લા અને માહિમ સહિતના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની જતાં સામાન્ય જનજીવન ખોરવાઇ ગયું હતું. મિલન, ખાર, અંધેરી અને મલાડ સબવેમાં પાણી ભરાઇ જતાં વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો. ૧૪ સ્થળોએ બેસ્ટની બસો ખોટકાઇ ગઇ હતી. સડકો પાણીમાં ગરકાવ થવાના કારણે બેસ્ટના ૫૩ રૂટને ડાયવર્ટ કરાયાં હતાં. વેસ્ટર્ન અને ઇસ્ટર્ન એક્સ્પ્રેસ હાઇવે પર પાણી ભરાતાં ટ્રાફિક ગોકળગાયની ગતિએ આગળ વધ્યો હતો જેના પગલે મુંબઇગરાઓને ભારે તકલીફનો સામનો કરવો પડયો હતો. રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ થઇ જતાં સીએસટીથી થાણે, વાશી અને નવી મુંબઇ જતી મુંબઇની જીવાદોરી સમાન લોકલ ટ્રેનસેવા બંધ કરી દેવાઇ હતી. જોકે પશ્ચિમ રેલવેની સેવાઓ પર ટ્રેન સેવા સામાન્ય રહી હતી. મુંબઇ શહેરમાંથી પસાર થતી મીઠી નદી ઓવરફલો થતાં કુર્લાના નદીકિનારાના વિસ્તારોમાં પાણી ઘૂસી ગયાં હતાં. અરબી સમુદ્રમાં હાઇટાઇડ હોવાના કારણે શહેરમાં પાણીની નિકાસી બંધ થઇ ગઇ હતી.
દરમિયાન ભારતીય હવામાન વિભાગે મુંબઇ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ૯ અને ૧૦ જૂન માટે રેડ એલર્ટની જાહેરાત કરી હતી. ગુરુવારે પણ આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. મુંબઇ શહેરમાં બુધવારે બપોરે ૨.૩૦ કલાકે જારી કરાયેલી ચેતવણીમાં જણાવાયું હતું કે, આગામી ૩-૪ કલાકમાં ૨૦થી ૩૦ મીમી વરસાદ નોંધાઇ શકે છે. હવામાન વિભાગે આગામી ૪ દિવસ માટે મુંબઇ સહિત કોંકણના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, કોંકણ બેલ્ટમાં ભારેથી અતિભારે વરસાદ થઇ શકે છે. પશ્ચિમ મહારાષ્ટ્રના પૂણે, સતારા અને કોલ્હાપુર જિલ્લામાં શનિવાર અને રવિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.