મુંબઈમાં 2005 જેવો જળપ્રલય, 107 કિમીની ઝડપે તોફાની પવન સાથે અતિભારે વરસાદ

August 06, 2020

મુંબઈ :દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ૨૦૦૫ જેવો જળપ્રલય આવ્યો છે. ૧૦૭ કિ.મી.ની ઝડપે પવન ફુંકાવા સાથે ધોધમાર વરસાદે ચારેતરફ તારાજી સર્જી છે. મુંબઈ તથા પરા વિસ્તારમાં બુધવારે પડેલા મુશળધાર વરસાદને કારણે થાણે અને પાલઘર જિલ્લામાં ઠેરઠેર જળબંબાકાર થતા જનજીવન પર મોટા પાયે અસર પડી હતી. હવામાન વિભાગે ગુરુવાર અને શુક્રવાર એમ બે દિવસ સુધી થાણે, મુંબઈ અને કોંકણમાં અતિ ભારે વરસાદથી આગાહી કરીને રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. વિભાગે કહ્યું કે ૧૨ કલાકમાં દહાણુમાં ૩૬૪ મિમિ, ભયંદરમાં ૧૬૯ મિમિ, મીરાં રોડમાં ૧૫૯ મિમિ, થાણે સિટી, ડોમ્બિવલી અને કલ્યાણમાં ૧૨૦ મિમિ તથા મુંબઈ શહેરમાં ૩૦ મિમિ તથા બાન્દ્રા અને કુર્લામાં ૭૦ મિમિ વરસાદ ખાબક્યો હતો. થાણે જિલ્લામાં વિવિધ ઠેકાણે ૧૦૦થી પણ વધારે વૃક્ષો ધરાશાયી થતા ઘણા વાહનોને નુકસાન થયું હતું. થાણે, કલ્યાણ અને ભીવંડીમાં નાળા છલકાયા હતા. થાણેના ઓવાલે વિસ્તારમાં એક ઘર ધરાશાયી થયું હતું.

મુંબઈ અને તેના પરા વિસ્તારમાં પાટા પર પાણી ભરાતા ૧૦ ટ્રેનોના રૂટમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. કાંદિવલીમાં પશ્ચિમી એક્સ્પ્રેસ રાજમાર્ગ પર ભૂસ્ખલન થતાં દક્ષિણ મુંબઈ તરફનો વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન બંધ કરી દેવાઇ હતી. હાર્બર લાઇન પર રેલવે સેવાઓ સંપૂર્ણ ઠપ્પ થઇ ગઇ હતી. પશ્ચિમ રેલવેએ બાંદ્રાથી ચર્ચગેટ સુધીની સેવાઓ સ્થગિત કરી દીધી હતી. પાલઘરમાં પશ્ચિમ રેલવે રૂટ પર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી. પાલઘર સ્ટેશન પરના પાટા પાણીમાં ડૂબતા પરા વિસ્તારની તમામ ટ્રેનોને બંધ કરી દેવાઈ હતી. જળબંબાકાર થયેલા આઠ વિસ્તારમાં ૪૦ કરતા વધારે રૂટ પર બેસ્ટની બસો ડાયવર્ટ કરાઈ હતી. બીએમસીએ મુંબઇગરાઓને તાકીદની પરિસ્થિતિ હોય તો જ ઘરની બહાર નીકળવાની તાકીદ કરી હતી. દક્ષિણ મુંબઈમાં ઘણા કર્મચારીઓ કોર્ટમાં ન પહોંચતા બોમ્બે હાઈકોર્ટે ઘણા કેસોની ઓનલાઈન સુનાવણી સ્થગિત કરી નાખી હતી.

ભારે વરસાદને પગલે હાલાકી ભોગવી રહેલા મહારાષ્ટ્રને મદદ કરવા કેન્દ્ર સરકારે કમર કસી છે. વડા પ્રધાન મોદીએ મોડી સાંજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સાથે ફોન ઉપર વરસાદ અને પૂરની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. બીજી તરફ તેમણે રાજ્યને તમામ પ્રકારે કેન્દ્ર દ્વારા મદદ પૂરી પાડવામાં આવશે તેવી ખાતરી પણ આપી હતી.