સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના આરોપસર દિલ્હીના વકિલની મુંબઇ પોલીસે કરી અટક

October 17, 2020

મુંબઇ : સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ  પ્રકરણે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવાના આરોપસર મુંબઇ પોલીસે દિલ્હીના એક વકિલની  અટક કરી હતી. આ કાર્યવાહી મુંબઇ પોલીસના સાયબર સેલ દ્વારા કરવામાં આવી હતી. દિલ્હીના વકિલ વિભોર આનંદ સામે આઇપીસીની વિવિધ કલમ અને આઇટી એકટ હેઠળ ગુનો દાખલ કરી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે  મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાન્ચના ડીસીપી અકબર પઠાણે માધ્યમોને જણાવ્યું હતુ  કે સુશાંત સિંહ રાજપૂત અને દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણે આરોપી વિભોર આનંદે બનાવટી કથા રચી તે સોશિયલ મીડિયા પર વહેતી કરીહતી. આ ઉપરાંત મુંબઇ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસના વિરોધમાં આક્ષેપ જનક ભાષા વાપરી મહારાષ્ટ્ર સરકારને  પણ સતત લક્ષ્ય બનાવી હતી. આ કારણસર મુંબઇ પોલીસના સાયબર સેલે વિભારની ગુરૃવારે દિલ્હીથી અટક કરી હતી અને તેને મુંબઇ લાવ્યા હતા.

સુશાંત રાજપૂતનુ મૃત્યુ ૧૪ જૂનના થયુ હતુ. જયારે તેની મેેનેજર રહેલી દિશા સાલિયન  આઠ જૂનના રાત્રે મૃત્યુ પામી હતી. તેથી આ બન્ને ઘટનાને જોડી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવામાં આવી હતી અને આ રીતે પોલીસ અને સરકારને લક્ષ્ય બનાવવામાં આવી હતી. મુંબઇ પોલીસના જણાવ્યાનુસાર આ સમય દરમિયાન ૮૦ હજારથી વધુ બનાવટી એકાઉન્ટ સોશિયલ મીડિયા પર ઓપન કરવામાં આવ્યા હતા. જેની તપાસ સાયબર સેલ કરી રહી છે.