મુંબઇમાં ૧૨ કલાકમાં ૧૦ ઇંચ વરસાદ ઝીંકાયો

August 05, 2020

મુંબઇઃ મુંબઇ અને પરા વિસ્તારમાં સોમવાર રાતથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો હતો. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મંગળવારે મુંબઇના સાન્તાક્રુઝ ખાતે સૌથી વધુ ૨૬૮.૬ મીમી (૧૦.૫ ઇંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત કોલાબા ખાતે ૨૫૨.૨ મીમી અને વસઇ ખાતે ૧૭૫ મીમી વરસાદ નોંધાયો હતો. જુલાઇ ૨૦૦૫ પછી મુંબઇમાં ૧૨ કલાકમાં થયેલો આ સૌથી વધુ વરસાદ છે. ભારે વરસાદના કારણે થાણેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે સાન્તાક્રુઝમાંએક મહિલા અને બે કિશોરી ખુલ્લા નાળામાં તણાઇ જતાં લાપતા બની હતી. અરબી સમુદ્રમાં માછીમારોની એક બોટ સપડાતાં બે માછીમાર લાપતા બન્યાં હતાં. મંબઇગરા મંગળવારે સવારે ઉઠયાં ત્યારે સડકો જળબંબાકાર બની ગઇ હતી. રેલવે ટ્રેક પર પાણી ફરી વળતાં મુંબઇની જીવાદોરી ગણાતી લોકલ ટ્રેન બંધ કરી દેવાઇ હતી. બેસ્ટ કંપનીએ બસ સેવા બંધ કરી હતી. બીએમસીએ મુંબઇગરાઓને ઘરની બહાર ન નીકળવાની તાકીદ કરી હતી. સરકારે કચેરીઓમાં રજા જાહેર કરી હતી. ભારતીય હવામાન વિભાગે મુંબઇ સહિત મહારાષ્ટ્રના કોંકણ અને ગોવામાં રેડ એલર્ટ જારી કરી આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.
મુંબઇમાં મંગળવારે અરબી સમુદ્રમાં બપોરે ૧૨.૪૫ કલાકે હાઇટાઇડ આવતાં ૪ મીટર ઊંચાં મોજાં ઊછળ્યાં હતાં. હાઇટાઇડ અને ભારે વરસાદના કારણે સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારાઓથી દૂર રહેવાની ચેતવણી આપી હતી. તે ઉપરાંત માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી જારી કરાઇ હતી.