ભારે વરસાદમાં ડૂબ્યું મુંબઈ, બસ-ટ્રેન સંચાલન પ્રભાવિત

August 04, 2020

૧૦ કલાકમાં મુંબઈમાં ૨૩૦ એમએમ વરસાદ નોંધાયા


મુંબઈ- મુંબઈ સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. મુંબઈમાં છેલ્લા અનેક કલાકોથી સતત વરસાદ વરસી રહ્યો છે. બીએમસી અનુસાર છેલ્લા ૧૦ કલાકમાં મુંબઈમાં ૨૩૦ એમએમ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના મોટાભાગના વિસ્તારો સમગ્રપણે જળમગ્ન થઈ ગયા છે. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. તેના કારણે બસોથી લઈને મુંબઈ લોકલ ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થયું છે.

બીએમસી અનુસાર લોકોને દરિયા કિનારાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મંગળવાર બપોરે લગભગ ૧૨ઃ૪૭ વાગ્યે દરિયામાં હાઈટાઇડ આવશે. આ દરમિયાન લગભગ ૪.૫૧ મીટર ઊંચા મોજા ઉછળવાની આશંકા છે. એવામાં લોકોને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠે ન જવાની અપીલ કરવામાં આવી છે. મુંબઈમાં સતત પડી રહેલા વરસાદના કારણે લોવર પરેલનો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો છે. અનેક સ્થળે પાણી ભરાઈ ગયા છે. સતત પડી રહેલા વરસાદના કારણે મુંબઈ લોકલ ટ્રેનોની વેસ્ટર્ન લાઇનને રોકી દેવામાં આવી છે. બીજી તરફ, સીએસએમટી અને કુર્લાની વચ્ચે હાર્બર લાઇનને પણ બંધ કરી દેવામાં આવી છે.