મુંડકા અગ્નિકાંડ : 27 લોકોનાં મોત, PM મોદી, રાષ્ટ્રપતિએ શોક વ્યકત કર્યો

May 14, 2022

દિલ્હીના મુંડકા મેટ્રો સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 4 માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા છે, જ્યારે 50 લોકોને બિલ્ડિંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ઘણા લોકો હજુ પણ ગુમ હોવાનું કહેવાય છે અને તેમના પરિવારના સભ્યો ચિંતિત છે.

આ ત્રણ માળની ઈમારતમાં પહેલા માળે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ હતું જ્યારે બીજા માળે વેરહાઉસ હતું અને ત્રીજા માળે લેબ હતી. અત્યાર સુધીમાં સૌથી વધુ મૃત્યુ બીજા માળે નોંધાયા છે. અકસ્માત સમયે બીજા માળે મોટિવેશનલ સ્પીચ ચાલી રહી હતી. આ કાર્યક્રમને કારણે વધુ લોકો ત્યાં હાજર હતા.

પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, દિલ્હી આગની ઘટનામાં જાનહાનિથી ખૂબ જ દુઃખી છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો ઝડપથી સાજા થાય તેવી કામના કરું છું." તેમણે કહ્યું કે, વડાપ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી, આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના આશ્રિતોને બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને પચાસ-પચાસ હજાર રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દુર્ઘટનામાં શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે તેઓ ઈમારતમાં લાગેલી આગને કારણે થયેલા જાનહાનિથી ખૂબ જ દુઃખી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.