નાસિકમાં મુસ્લિમ ધર્મગુરુની હત્યા:અફઘાન મૂળના સૂફીબાબાની ચાર લોકોએ ગોળી મારી હત્યા કરી, એક આરોપીની ધરપકડ

July 06, 2022

નાસિક : મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના યેવલામાં ચાર અજાણ્યા લોકોએ અફઘાનિસ્તાનથી ભારત આવીને રહેતા 35 વર્ષના મુસ્લિમ ધર્મગુરુની ગોળી મારીને હત્યા કરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, મૃતકની ઓળખ ખ્વાજા સૈયદ જરીફ ચિશ્તી તરીકે થઈ છે, જેમને યેવલામાં સૂફીબાબાના નામથી ઓળખવામાં આવતા હતા.

પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના મુંબઈથી લગભગ 200 કિલોમીટર દૂર યેવલાના ચિંચોડીમાં એમઆઈડીસી વિસ્તારમાં એક ખુલ્લા પ્લોટમાં સાંજે બની હતી. હુમલાખોરે સૂફીને માથામાં ગોળી મારી દીધી હતી, એ પછી તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જોકે હજી સુધી હત્યાનું કારણ જાણવા મળ્યું નથી. હુમલાખોર હત્યા કરીને મૃતકની SUV ગાડી લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા પછી તપાસ માટે પહોંચેલી પોલીસે સૂફીબાબાની SUV જપ્ત કરી લીધી છે, સાથે જ હત્યામાં સામેલ એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે, જેને હાલ બાકીના હત્યારો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. હત્યારાઓને શોધવા માટે પોલીસકર્મચારીઓ વિસ્તારના CCTV ફૂટેજને શોધી રહી છે.

ખ્વાજા સૈયદ ચિશ્તીની હત્યા એવા સમયે કરવામાં આવી છે, જ્યારે મહારાષ્ટ્રના અમરાવતીમાં એક મેડિકલ સ્ટોરના સંચાલક ઉમેશ કોલ્હેની ગળું કાપીને હત્યા કરવામાં આવતા રાજ્યમાં અશાંતિ ફેલાયેલી છે. જોકે પોલીસે આ હત્યાકાંડના તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. નાસિક પોલીસે આ મામલાની ગંભીરતાને જોતાં આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં પોલીસ તહેનાત કરી છે.