ઈસ્લામોફોબિયા સમિટ પહેલા મુસ્લિમ કાઉન્સીલે ભલામણ જારી કરી

July 24, 2021

  • જે શહેરોમાં મુસ્લિમોને નિશાન બનાવાયા ત્યાંથી ભોગ બનનારીઓની માહિતી એકત્ર કરાઈ
ઓન્ટેરિયો: સમાજમાં મુસ્લિમ વિરોધી લાગણી સામે લડવાની રાષ્ટ્રીય સ્તરની રણનીતિ મુજબ કેનેડાની મુસ્લિમ કાઉન્સીલે કુલ ૬૧ ભલામણો જારી કરી છે. જે આવતા અઠવાડિયે યોજાનારી ઈસ્લામોફોબિયા સમિટ પૂર્વેની છે. સંસ્થાએ જે શહેરોમાં મુસ્લિમોને નિશાન બનાવીને હિંસક ઘટનાઓ બની હોય ત્યાં સોમવારે કાર્યક્રમો યોજીને ભોગ બનેલાઓની માહિતી એકત્ર કરી હતી. જેમાં કયુબેક સીટી, ધ ગ્રેટર ટોરોન્ટો એરિયા, એડમન્ટન અને લંડન ઓન્ટેરિયોનો સમાવેશ થાય છે. 
જયાં ગયા મહિને જ એક પરિવારના ચાર સભ્યોની હત્યા થઈ હતી. જયારે એ લોકો ચાલવા નીકળ્યા હતા. આ ઈવેન્ટમાં ૬૧ ભલામણો પણ રજુ કરવામાં આવી હતી. જે સંસ્થા પોલીસી મેકર્સને આપશે. ગુરૂવારે નેશનલ સમિટ મળે એ પહેલા આ ભલામણો તેમના સુધી પહોંચી જશે. એનસીએમએમના ચીફ એકિઝકયુટીવ મુસ્તફા ફારૂકે દક્ષિણ પશ્ચિમ ઓન્ટેરિયોમાં પત્રકારોને કહ્યું હતું કે, આ ભલામણો સરકારના બધા સ્તરના અધિકારીઓએ મુસ્લિમ સમુદાય સાથે ચર્ચાઓ કરીને તૈયાર કરી હતી. હવે આપણે સરકાર શું પગલા લેશે એ જ જોવાનું રહે છે. અમને માત્ર સરકાર આ બેઠકમાં હાજર રહે એમાં રસ નથી. પણ કેવા નક્કર પગલા લેવાની તૈયારી દર્શાવે એ વધુ મહત્વનું છે. આ ભલામણો પૈકી અડધાથી વધુ તો ફેડરલ સરકારની જવાબદારીમાં આવનારી છે અને ઈસ્લામોફોબિયા સામે કેવી રણનીતિ બનાવવી એ પણ એમની જ જવાબદારી બનશે. 
મુસ્લિમ વિરોધી હિંસાની ઘટનામાં તપાસ નિષ્પક્ષ થાય એ પણ જરૂરી બને છે. એને માટે સુરક્ષા એજન્સીઓ અને કેનેડા રેવન્યુ એજન્સીનો પણ સહકાર જોઈશે એમ પણ તેમણે કહ્યું હતું. અન્ય ભલામણોમાં ક્રિમીનલ કોડમાં સુધારો કરી નફરત આધારિત ગુનાઓની સજા કે દંડની રકમમાં ફેરફાર કરવો જેમાં ચોરી, હુમલો, ધમકીઓ અને હત્યા જેવી ઘટનાઓને સમાવી લેવી જોઈએ. એ રીતે જ પ્રાંતોની સરકારે શાળાઓમાં આ અંગે શિક્ષણ અને જાણકારી આપવી જોઈએ એવી રજુઆત કરવામાં આવી છે.  લંડન મુસ્લિમ મસ્જીદના વાઈસ ચેરમેન નુસાઈબા અલ અઝીમે કહ્યું હતું કે આ બેઠકમાં કોઈ રાજકારણીની જરૂર નથી. પરંતુ ચૂંટાયેલા અધિકારીઓ જ હાજર રહેવા જોઈએ. અમને સરકાર પાસેથી મોટા ફેરફારોની અપેક્ષા છે. મામુલી ફેરફારોની તૈયારી અમને મંજુર નથી. કયુબેકમાં બિલ નં.ર૧ તરીકે ઓળખાતા ખરડામાં સેકયુલારીઝમ લોની જોગવાઈ હતી. જે જુન ર૦૧૯માં પસાર થયો હતો. છતાં માનવાધિકારોનુ હનન થતું આવ્યું હોવાથી હવે રાષ્ટ્રીય સ્તરે એનો ઉકેલ આવવો જોઈએ.