મારી અને મારા પરિવારની જાસૂસી થઈ રહી છે : નવાબ મલિક

November 27, 2021

મુંબઈ- મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકે આરોપ મુક્યો છે કે, કેન્દ્રની તપાસ એજન્સીઓના અધિકારીઓ મારી સામે બોગસ ફરિયાદો નોંધવાનુ ષડયંત્ર ઘડી રહ્યા છે.પૂર્વ ગૃહ મંત્રી અનિલ દેશમુખ સાથે જે રમત રમાઈ છે તે જ મારી સાથે પણ રમવા માટે કાવતરુ રચાઈ રહ્યુ છે.


નવાબ મલિકે કહ્યુ હતુ કે, આર્યન ખાન ડ્રગ્સ કેસ સામે મેં અવાજ ઉઠાવવાનુ શરુ કર્યુ ત્યારથી મારી અને મારા પરિવારની જાસૂસી કરવાવવામાં આવી રહી છે.એક શકમંદ વ્યક્તિની મને જાણકારી પણ મળી છે.જે મારી સામે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે અને તે ભાજપ સાથે સંકળાયેલો છે.

તેમણે કહ્યુ હતુ કે, આ બધુ કરવાથી હું ડરી જવાનો નથી. મારી સામે કેન્દ્રીય એજન્સીઓના અધિકારીઓ ફરિયાદો કરવાનુ કાવતરુ ઘડી રહ્યા છે અને તેની વોટસ એપ ચેટ મારી પાસે છે.હું મુંબઈ પોલીસને તે તપાસ માટે આપવાનો છું.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને પત્ર લખીને આ બાબતની ફરિયાદ કરવાનો છું.
મલિકે આક્ષેપ કર્યો હતો કે, કેટલીક પાર્ટીના કાર્યકરો મારા ઘર, મારા કાર્યાલય, મારી દીકરીનો પુત્ર કઈ સ્કૂલમાં જાય છે તે જાણવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.કેટલાકે મારા ઘરની તસવીરો લેવાનો પ્રયાસ પણ કર્યો છે.
નવાબ મલિકે બે વ્યક્તિઓનો ફોટો પણ ટ્વિટર પર પોસ્ટ કર્યો છે અને કહ્યુ છે કે, આ લોકો મારા ઘરની રેકી કરી રહ્યા હતા.જેમની જાણકારી કોઈની પાસે હોય તો તે મને આપે.